ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના દધેડા ગામે ગ્રામ પંચાયતની ચુંટણીની મતગણતરી થયા બાદ બે જુથો વચ્ચે હિંસક અથડામણની ઘટના બનતા બન્ને પક્ષે સામસામે પોલીસ ફરિયાદો થતાં પોલીસે કુલ મળીને ૩૫ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ દધેડા ગ્રામ પંચાયતની ચુંટણીની મતગણતરી બાદ કરુણાબેન વસાવા વિજયી થયા હતા, જ્યારે અસ્મિતાબેનની હાર થઇ હતી. અસ્મિતાબેન વસાવાના પતિ ભાવિનભાઇ કનૈયાલાલ વસાવાએ ઝઘડીયા પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ ગતરોજ ચુંટણીના પરિણામ બાદ તેઓ ઝઘડીયાથી બપોરે સાડા ત્રણ વાગ્યે ઘરે પરત આવ્યા હતા. ત્યારબાદ વિજેતા ઉમેદવાર કરુણાબેન જયેશભાઇ વસાવાએ ગામમાં વિજય સરઘસ કાઢ્યુ હતું. તે દરમિયાન જયેશભાઇ તેમજ તેમના માણસો એ લોકોને જોઇને ગાળો બોલતા હતા, જેથી ભાવિનભાઇએ ગાળો બોલવાની ના પાડતા તે લોકોએ ઝપાઝપી કરી હતી. આ ઝઘડામાં ભાવિનના પિતાને ધારીયુ માથામાં વાગતા ઇજા થઇને લોહી નીકળ્યુ હતું. તેમજ ભાવિનભાઇને પણ તે લોકોએ લાકડીના સપાટા ઉપરાંત ઢિકાપાટુનો માર માર્યો હતો અને હવે પછી અમારી સામે ચુંટણી લડશો તો જાનથી મારી નાંખીશુ એવી ધમકી આપી હતી. આ બનાવને લઇને પોલીસે મહિલાઓ સહિત કુલ ૧૪ ઇસમો સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે સામા પક્ષે કમલેશભાઇ ઉદેસીંગ વસાવા રહે.ગામ દધેડાનાએ ઝઘડીયા પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ ગતરોજ તા.૨૧ મીના રોજ તેમની પેનલના ઉમેદવાર કરુણાબેન જયેશભાઇ વસાવા મતગણતરી બાદ વિજયી થયા હતા. આ લોકો ઝઘડીયાથી ઘરે પરત આવ્યા બાદ એકબીજાને મળતા હતા ત્યારે તે દરમિયાન સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં ટેકરા ફળિયામાં નવીનભાઇ અભેસીંગ વસાવાના ઘર પાસે આવ્યા હતા. ત્યારે ગામની ચુંટણીમાં હારેલા ઉમેદવાર અસ્મિતાબેનના પતિ ભાવિનભાઇ કનૈયાલાલ વસાવા અન્ય ઇસમો સાથે તેના હાથમાં પત્થર અને કુહાડી લઇને આવ્યો હતો. તે લોકો ગાળો બોલતા હતા. તે દરમિયાન કમલેશને માથામાં કુહાડી મારી દીધી હતી. તેમજ લાકડાના સપાટા પણ માર્યા હતા. આ હુમલામાં કમલેશને શરીરના વિવિધ ભાગો પર ઇજાઓ થઇ હતી. અા દરમિયાન તે લોકો વર્ષાબેન નામની મહિલાના કાનમાંથી રુ.ત્રીસ હજારની કિંમતની સોનાની બુટ્ટી અને કડીઓ ખેંચી ગયા હતા. અને બીજી વખત કેવા ચુંટણી જીતો છો એવી ધમકી આપી ગયા હતા. આ બનાવ બાબતે ઝઘડીયા પોલીસમાં મહિલાઓ સહિત કુલ ૨૨ વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ