સમગ્ર ભરૂચ જિલ્લામાં અત્યારે ગ્રામ પંચાયતોની ચુંટણીનો માહોલ છવાયો છે. ઝઘડીયા તાલુકા સહિત જિલ્લાના બધા તાલુકાઓમાં ચુંટણીના ચક્રવ્યુહમાં ઉમેદવારો પોતાના મતદારોને રીજવવા પ્રયાસો કરી રહ્યા છે. ઝઘડીયા તાલુકામાં ગ્રામ પંચાયતોની ચુંટણીને અનુલક્ષીને તાલુકાના મતદાન મથકોનું અતિ સંવેદનશીલ સંવેદનશીલ અને સામાન્ય મતદાન મથકોમાં વિભાજન કરવામાં આવ્યુ છે, જે મુજબ તાલુકાના કુલ મતદાન મથકો પૈકી ૨૭ અતિ સંવેદનશીલ મતદાન મથકો, ૪૧ સંવેદનશીલ મતદાન મથકો જ્યારે ૫૮ સામાન્ય મતદાન મથકોનો સમાવેશ થાય છે.
ઝઘડીયા પ્રાંત અધિકારી પ્રણવભાઇ વિઠાણીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યુ કે ઝઘડીયા વાલિયા અને નેત્રંગ તાલુકાઓમાં ચુંટણીલક્ષી કામગીરી માટે ચુંટણી કામગીરીમાં નિયુક્ત કરાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને જરુરી તાલિમથી સજ્જ કરવામાં આવ્યા છે. ઝઘડીયા પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ આ ત્રણેય તાલુકામાં ચુંટણી અંતર્ગત કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. ઝઘડીયા તાલુકામાં હાલ ગ્રામ પંચાયતોની ચુંટણીને લઇને સમગ્ર તાલુકો ચુંટણીના રંગે રંગાયેલો દેખાઇ રહ્યો છે. વિવિધ રાજ્કીય પક્ષો દ્વારા તેમના સમર્થિત ઉમેદવારોની જીત માટે દાવા કરાતા જણાઇ રહ્યા છે. તાલુકામાં ઘણી ગ્રામ પંચાયતોમાં બે કરતા વધારે પેનલો વચ્ચે ચુંટણી જંગ ખેલાઇ રહ્યો છે. તાલુકામાં ઝઘડીયા ઉમલ્લા દુ.વાઘપુરા રાજપારડી અવિધા ભાલોદ તરસાલી રાણીપુરા સારસા તલોદરા ફુલવાડી પડવાણીયા પાણેથા ઇન્દોર ઉપરાંત અન્ય ઘણીબધી ગ્રામ પંચયતોમાં ચુંટણી ટાણે તીવ્ર રસાકસીભર્યો માહોલ જણાઇ રહ્યો છે. કેટલાક સ્થળોએ દ્વિ પાંખીયો તો કેટલાક સ્થળોએ ત્રીપાંખીયો કે ચાર પાંખીયો જંગ ખેલાઇ રહ્યો છે. જ્યારે કેટલીક ગ્રામ પંચાયતોમાં ચાર પાંચ કે છ જેટલી પેનલો પણ ચુંટણી જંગમાં પોતાનું નસીબ અજમાવી રહી છે. તાલુકાના ત્રણ પોલીસ મથકો ઝઘડીયા રાજપારડી અને ઉમલ્લા પોલીસ મથકો દ્વારા પોતાના વિસ્તારમાં આવતા સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો ઉપરાંત અન્ય મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે સઘન બંદોબસ્ત કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. આમ અત્યારે સમગ્ર તાલુકામાં ઠેરઠેર ભરશિયાળે ચુંટણીનો ગરમાવો ફેલાયો છે. ઠેરઠેર ઉમેદવારો પોતાના મતદારોને પોતાની તરફ ખેંચવાની કોશિશો દ્વારા પોતાની જીતના દાવા કરતા જોવા મળ્યા હતા. મતદાન પ્રક્રિયા સંપન્ન થયા બાદ તા. ૨૧ મીના રોજ ઝઘડીયા મુકામે સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ ખાતે મત ગણતરી યોજાશે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ