Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકામાં નર્મદા નદીમાં નાવડી મુકીને રેતી ઉલેચાતા નિયમોનો સરેઆમ ભંગ?

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીમાંથી લાંબા સમયથી આડેધડ થતા રેતખનનથી પર્યાવરણ પર ખતરો મંડાયો હોવાની બુમો ઉઠવા પામી છે.

ઝઘડીયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના વિશાળ પટમાંથી લાંબા સમયથી આડેધડ થઇ રહેલા રેત ખનનને લઇને અવારનવાર વિવાદ સર્જાતો જોવા મળે છે. સામાન્ય રીતે રેત ખનનની બાબતે લીઝ સંચાલકોએ ઘણા બધા નિયમો જાળવવાના હોય છે, પરંતુ જરુરી અને પાયાના નિયમોનો સરેઆમ ભંગ થતો હોવાની બુમો ઉઠવા છતા તાલુકા અને જિલ્લાના સંબંધિત અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાથી તંત્ર અને રેત માફીયાઓ વચ્ચે મિલિભગત હોવાની આશંકા ઉઠવા પામી છે. નાવડી મુકીને રેતી ઉલેચવી ગેરકાયદેસર હોવા છતાં નાવડી મુકીને રેતી ઉલેચાઇ રહી છે. ઝઘડીયા તાલુકાના ભાલોદ ટોઠિદરા ઓરપટાર પંથક નજીકથી વહેતી નર્મદા નદીમાં કેટલાક સ્થળોએ નાવડી મુકીને રેતી ઉલેચાઇ રહી છે. જરૂરી નિયમોની ઐસી કી તૈસી કરીને રેત માફીયાઓ આડેધડ રેતી ઉલેચી રહ્યા છે. આને લઇને પર્યાવરણની અસ્મિતાને ખુલ્લેઆમ નુકશાન પહોંચી રહ્યુ છે. ભરૂચ ખાણ ખનીજ વિભાગીય સુત્રોએ પણ નાવડી મુકીને રેત ખનન કરવું ગેરકાયદેસર હોવાની વાતને સમર્થન આપ્યુ હતુ છતાં બધુ રાબેતા મુજબ કેમ ચાલે છે ? આ બાબત રહસ્યમય પ્રશ્નાર્થ સર્જે છે.

ઝઘડીયા તાલુકામાં બેફામ બનેલા ખનીજ માફીયાઓ કોના બાપની દિવાળી કહેવતને સાર્થક કરતા હોય એમ આડેધડ નિયમોનો ભંગ કરી રહ્યા હોવા છતાં તંત્ર જાણે ઘોર નિદ્રામાં પોઢી રહ્યુ હોય એમ લાગે છે. ઉપરાંત નર્મદામાં ગેરકાયદેસર પુલિયા બનાવીને તેના પરથી રેતીના વાહનો પસાર કરવાનો વિવાદ પણ ભુતકાળમાં વકર્યો હતો. નદીમાં ગેરકાયદેસર પુલિયા બનાવવાના કારણે નદીના વહેણમાં અવરોધ આવતો હોય છે, આમ આને લઇને સરેઆમ પર્યાવરણને નુકશાન પહોંચતુ હોય છે. નાવડી મુકીને તેના દ્વારા ગેરકાયદેસર થતા રેતખનન બાદ પાણી નીતરતી રેતીનું ટ્રકો દ્વારા વહન કરાતુ હોય છે. પાણી નીતરતી રેતીનું વહન કરવું નિયમ વિરુધ્ધ હોવા ઉપરાંત તેનાથી રસ્તાઓને નુકશાન થાય છે. આ સ્થળે નર્મદા નદી જ્યાં વહેછે તેનો કેટલોક ભાગ વડોદરા જિલ્લાની હદમાંથી પણ પસાર થાય છે, ભરુચ ઉપરાંત વડોદરા જિલ્લાની હદમાંથી પણ મોટાપાયે રેતખનન થતુ હોવાની બુમો ઉઠવા પામી છે. નર્મદામાં નાવડી મુકીને રેતી કાઢતા રેત માફીયાઓને જરુરી નિયમો સમજાવવા તાલુકા અને જિલ્લાના અધિકારીઓ આગળ આવશે ખરા? કે પછી જૈસે થે ની જેમ પરિસ્થિતિ જળવાઇ રહેશે? અા બાબતે પણ જનતા જવાબ માંગે છે. વળી આ બાબતે સંબંધિત ગ્રામ પંચાયતોના તલાટીઓ અને હોદ્દેદારો પણ ચુપકીદી સેવી રહ્યા હોવાની વાતો જાણવા મળી છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

લગ્ન નોંધણી માટે ઓનલાઇન સુવિધા સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવી.

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ભરાતો વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો.

ProudOfGujarat

વાંકલ : કઠોર વ.દે.ગલિયારા વિદ્યાલય સંચાલિત પ્રકાશ કુમાર કાંતિલાલ મૈસુરિયા સ્પોર્ટ્સ સંકુલના વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષા એ પસંદગી થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!