ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તલોદરા ગામે ગાડી પાર્ક કરવાની બાબતે પિતરાઇ ભાઇઓ વચ્ચે ઝઘડો થતા એક મહિલા સહિત ચાર ઇસમો સામે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવા પામી છે.
ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ તલોદરા ગામે રહેતો ધર્મેશભાઇ કેશવભાઇ વાળંદ ઝઘડીયા ખાતે હેર કટિંગ સલુન ચલાવે છે. ગતરોજ તા.૯ મીના રોજ ધર્મેશ રાતના નવેક વાગ્યાના અરસામાં ઝઘડીયાથી ઘરે પરત આવ્યો હતો. ઘેર આવ્યા બાદ તેની ફોર વ્હિલ ગાડી પાર્ક કરીને તે ઘરમાં જતો હતો ત્યારે તે દરમિયાન તેના પિતરાઇ ભાઇઓ તુષાર અને જયદિપ ધર્મેશના ઘર નજીક આવ્યા હતા, અને કહેવા લાગ્યા હતા કે તારી ગાડી અહિં કેવી રીતે મુકે છે? તારી ગાડીના કાચ તોડી નાંખીશું એમ કહીને ગાળો બોલવા લાગ્યા હતા. ધર્મેશની પત્નીએ લોકોને ગાળો બોલવાની ના પાડતા તેમનુ ઉપરાણું લઇને ધર્મેશના કાકા રામુભાઇ નારણભાઇ વાળંદ તથા કાકી સુશીલાબેન ત્યાં આવ્યા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. ધર્મેશ સાથે ઝપાઝપી કરી હતી તેમજ તેની પત્નીને પણ ધક્કો મારીને નીચે પાડી દીધી હતી. આ લોકોએ ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બાબતે ધર્મેશભાઇ કેશવભાઇ વાળંદ રહે.ગામ તલોદરાનાએ તુષારભાઇ મનહરભાઇ, જયદિપભાઇ મનહરભાઇ વાળંદ, રામુભાઇ નારાણભાઇ વાળંદ તેમજ સુશીલાબેન મનહરભાઇ વાળંદ તમામ રહે.તલોદરા તા.ઝઘડીયા જિ.ભરૂચના વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ