– ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે સરપંચ પદ માટે ૩૦૩ તેમજ સભ્યો માટે ૧૫૭૬ ઉમેદવારી પત્રો ભરાયા.
હાલમાં રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચુંટણીને લઇને ચુંટણી લડવા ઇચ્છતા ઉમેદવારોમાં અનેરો ઉત્સાહ જણાય રહ્યો છે. ચુંટણી એટલે લોકશાહીનું મહાપર્વ. ઝઘડીયા તાલુકા સહિત ભરૂચ જિલ્લાના તાલુકા મથકોએ ચુંટણી લડવા માંગતા ઉમેદવારોએ તેમના સમર્થકો અને ટેકેદારો સાથે આવીને ઉમેદવારી પત્રો ભર્યા હતા. ઝઘડીયા તાલુકામાં પણ ચુંટણી જાહેર થતા જ તાલુકાની ૭૪ ગ્રામ પંચાયતોના ચુંટણી ઇચ્છુક ઉમેદવારો સક્રીય બન્યા હતા. સરપંચ પદના ઉમેદવારોએ તેમની પેનલો માટે વોર્ડવાર સક્ષમ અને ચુંટણી જીતે એવા ઉમેદવારોની શોધ આરંભી હતી. ચુંટણીના પડઘમ વાગતાજ તાલુકામાં ઉમેદવારો ઠેરઠેર ખાટલા બેઠકો યોજતા જણાયા હતા. આજે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ઝઘડીયા તાલુકાની ૭૪ ગ્રામ પંચાયત માટે સાંજના ૩ વાગ્યા સુધીમાં સરપંચ પદ માટેના કુલ ૩૦૩ ફોર્મ ભરાયા હતા, જ્યારે ગ્રામ પંચાયતોના વોર્ડ સભ્યો બનવા કુલ ૧૫૭૬ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. તાલુકાની કુલ ૭૪ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાનાર છે. ઉમેદવારી પત્રો ભરવાના દિવસો દરમિયાન ઝઘડીયા તાલુકા મથકે ઉમેદવારી કરવા આવેલ ઉમેદવારોના વાહનો અને સમર્થકોનો ઝમેલો જામ્યો હતો. ઉમેદવારી પત્રોની ચકાસણી અને પાછા ખેંચવાના દિવસ બાદ તાલુકાનું ગ્રામ પંચાયતોની ચુંટણીનું ચિત્ર સ્પષ્ટ બની જશે. ચુંટણી પંચ દ્વારા તાલુકામાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે જોવા કવાયત હાથ ધરવામાં આવી છે.
તાલુકાના ઝઘડીયા ઉમલ્લા અને રાજપારડી પોલીસ સ્ટેશનો પણ તાલુકામાં ચુંટણીને લઇને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને મતદારો નિર્ભયતાથી તટસ્થ રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ તકેદારી રાખશે. ગ્રામ પંચાયતોની ચુંટણીમાં સીધી રીતે રાજ્કીય પક્ષોના નેજા હેઠળ ચુંટણી નથી લડાતી પરંતુ વિવિધ રાજ્કીય પક્ષોના સમર્થિત ઉમેદવારો ચુંટણીનો જંગ ખેલતા હોય છે. દરેક ચુંટણીઓમાં ઝઘડીયા તાલુકામાં મોટાભાગે ભાજપા બીટીપી અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાતો હોય છે. જ્યારે હાલમાં રાજ્યના રાજકારણમાં આમ આદમી પાર્ટી પણ સક્રીય હોઇ તાલુકામાં આમ આદમી પાર્ટીના સમર્થિત ઉમેદવારો પણ ચુંટણી જંગમાં હોવાની સંભાવના નકારી શકાય તેમ નથી. જોકે ગ્રામ પંચાયતોની આ ચુંટણીને જોતા હાલ તો મતદારો તેમનું મન કળાવા દેતા નથી, એમ સ્પષ્ટપણે દેખાઇ રહ્યુ છે. પરંતુ હાલતો સમગ્ર તાલુકામાં ગ્રામ પંચાયતોની ચુંટણીનો પ્રભાવશાળી માહોલ દેખાય છે. ચુંટણી ટાણે ઉમેદવારી પત્ર ભરવા માટેના જરૂરી દાખલાઓ કઢાવવા પણ ઉમેદવારો દોડધામ કરતા જણાયા હતા. આમ હાલ તો તાલુકામાં ઉમેદવારો અને મતદારો લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં વ્યસ્ત બનીને મતદાનના દિવસથી આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ