હાલમાં થઇ રહેલ કમોસમી વરસાદને લઇને મધ્ય ગુજરાત સહિત રાજ્યમાં ઘણા સ્થળોએ શીત લહેરથી ઠંડીનો ચમકારો દેખાઇ રહ્યો છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં પણ ગઇકાલ રાતથી શરુ થયેલ કમોસમી વરસાદ આજે બીજા દિવસે પણ વરસી રહ્યો હતો. સતત બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદના આગમનથી તાલુકામાં ભર શિયાળે ચોમાસુ માહોલ જામ્યો હતો. આ લખાય છે ત્યારે પણ આકાશમાં વાદળો છવાયેલા છે. બે દિવસથી થઇ રહેલા કમોસમી વરસાદને લઇને તાલુકામાં શીત લહેરનું મોજુ ફળી વળતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. કમોસમી વરસાદથી શિયાળુ ખેતીને વ્યાપક નુકશાન થવાની ભીતિ ખેડૂતો અનુભવી રહ્યા છે. તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વર રાજપિપલા રેલ્વે લાઇન પરના ઘણા ગરનાળાઓમાં પાણી ભરાતા ગ્રામિણ જનતા તકલીફમાં મુકાવા પામી હતી. કમોસમી વરસાદને લઇને ફરી વળેલ ઠંડીના કારણે લોકોએ સ્વેટર અને રેઇનકોટ બન્નેનો ઉપયોગ કરવાની જરુર પડી હતી. સતત બે દિવસથી શરુ થયેલ કમોસમી વરસાદને લઇને તેની સીધી અસર જનજીવન પર જોવા મળી હતી. ઠંડીનું પ્રમાણ વધતા લોકોએ કામ સિવાય બહાર નીકળવાનુ ટાળ્યુ હતુ. આમ કમોસમી વરસાદ અને ઠંડીના કારણે તાલુકામાં જનજીવન અસ્તવ્યસ્ત બનેલુ જણાયુ હતુ. બેવડી ઋતુના કારણે શરદી ખાંસીની અસર તેમજ વાયરલ ઇન્ફેક્શન વધતા તેની અસર જન આરોગ્ય પર પડવાની દહેશત પણ જોવા મળી હતી. હાલમાં યોજાઇ રહેલા લગ્ન સમારંભોના આયોજકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. અંગત ગણી શકાય તેવા સંબંધીઓ નાછુટકે વરની જાનમાં જતા દેખાયા હતા. અામ લગ્ન સમારંભોમાં લગ્ન આયોજકોની સાથે સાથે આમંત્રિત મહેમાનો તેમજ જાનૈયાઓ પણ ઠંડીમાં ઠુંઠવાયા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ