ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પિપદરા ગામે નવી વસાહતના ભાગોળ ફળિયામાં આરસીસી રસ્તો બનાવવા ગ્રામજનો દ્વારા રજુઆત કરવામાં આવી છે.
નવી વસાહતના રહીશોએ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટીને લેખિતમાં રજુઆત કરતા જણાવ્યુ હતુ કે પિપદરા નવી વસાહતના ભાગોળ ફળિયાનો રસ્તો લાંબા સમયથી વપરાશ યોગ્ય બનાવાયો નથી. નવી વસાહતના રહીશોને વ્યવસ્થિત રસ્તાના અભાવે તકલીફ પડી રહી છે. આ રસ્તો ગ્રામજનોની અવરજવર માટે મહત્વનો છે. વ્યવસ્થિત રસ્તાના અભાવે રહીશોને રોજિંદી અવરજવરમાં હાલાકી ભોગવવી પડે છે. ચોમાસા દરમિયાન રહીશોને કિચ્ચડના કારણે તકલીફ પડતી હોય છે. ઉપરાંત ચોમાસામાં વરસાદનું પાણી ભરાઇ રહેતુ હોઇ રોજિંદા કામોમાં અડચણ ઉભી થાય છે. વધુમાં જણાવાયા મુજબ આ બાબતે ગ્રામ પંચાયતને વારંવાર રજુઆતો કરવા છતા કોઇ પરિણામ આવ્યુ નથી. વિવિધ સરકારી યોજનાઓ દ્વારા વિકાસના કામો કરવામાં આવતા હોય છે, ત્યારે તાકીદે પિપદરા નવી વસાહતનો આ રસ્તો આરસીસી બનાવી આપવામાં આવે તેવી માંગ અત્રેના સ્થાનિક રહીશોએ કરી છે. ગ્રામ પંચાયતોની ચુંટણી આડે જુજ દિવસો બાકી રહ્યા છે ત્યારે ચુંટણીની પૂર્વ સંધ્યાએ પિપદરા નવી વસાહતના રહીશોએ રસ્તા બાબતે લેખિતમાં રજુઆત કરતા ચકચાર મચી જવા પામી છે. આ રજુઆતની નકલ ઝઘડીયા મામલતદાર, પ્રાંત અધિકારી, જિલ્લા પંચાયત ભરૂચ તેમજ ઝઘડીયા તાલુકા પંચાયતને મોકલીને આ બાબતે તાત્કાલિક યોગ્ય કરવા માંગ કરી છે. વધુમાં જણાવાયુ છે કે જો આ બાબતે તાકીદે ઘટતી કાર્યવાહી નહિ થાય તો ગ્રામજનો ચુંટણીનો બહિષ્કાર કરશે, અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવતા ચુંટણી ટાણે ભર શિયાળે આ મુદ્દે ગરમાવો આવી ગયો છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ