ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના દધેડા નજીક ઝઘડાનું સમાધાન કરવા ભેગા થયેલા ઇસમો વચ્ચે ઝઘડો થતા મારમારી ધમકી આપી હોવા બાબતની ફરિયાદ લખાવા પામી છે.
ઝઘડીયા પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના ખરચી ગામનો વિજયભાઇ રાજુભાઇ વસાવા ગત તા.૨૮ મીના રોજ ફુલવાડી ગામના મિત્રની ફોર વ્હિલ ગાડી લઇને તલોદરા ગામે લગ્નમાં ગયો હતો. ત્યારે રાતના સમયે તેની ગાડીનો કાચ તોડી નંખાયો હતો. કાચ તોડનારને વિજય ઓળખતો હતો, તેથી નુકશાનનો ખર્ચ આપી દેવા જણાવ્યુ હતુ. આ બાબતે સમાધાન કરવા માટે વિજય વસાવા અને તેનો મિત્ર યોગેશભાઇ રમણભાઈ વસાવા તેમજ તલોદરા ગામના ચાર ઇસમો દધેડા ગામ નજીક ભેગા થયા હતા. સમાધાનની વાત ચાલતી હતી તે દરમિયાન અચાનક તલોદરા ગામના બલર, કનૈયા ઉર્ફે કવો, પવો તેમજ હિરલ (જેમના પુરા નામ ખબર નથી પરંતુ દીઠે ઓળખે છે.) ગાળો બોલવા લાગ્યા હતા. યોગેશ અને વિજયે તે લોકોને ગાળો બોલવાની ના પાડતા તેમણે આ લોકો પર લોખંડનો પાઇપ લાકડી અને પટ્ટાથી હુમલો કર્યો હતો. આ હુમલામાં યોગેશ અને વિજયને શરીરના વિવિધ ભાગો પર ઇજાઓ થઇ હતી. ઉપરાંત તે લોકોએ મારી નાંખવાની ધમકી પણ આપી હતી. ઇજાગ્રસ્ત બન્ને ઇસમોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયા હતા. હુમલો કરીને ઇજા પહોંચાડવાની આ ઘટના બાબતે યોગેશભાઇ રમણભાઈ વસાવા રહે.ગામ ખરચી ભીલવાડા તા.ઝઘડીયાનાએ વિરલ વસાવા, પવો વસાવા, કનૈયા વસાવા તેમજ બલર વસાવા તમામ રહે.ગામ તલોદરા તા.ઝઘડીયા જિ.ભરૂચના વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ