ભરૂચ જિલ્લાનો ઝઘડીયા તાલુકો વિપુલ વનસંપતિ ધરાવતો તાલુકો છે. તાલુકામાં રાજપારડીથી નેત્રંગ તરફ ડુંગરાળ અને વન વિસ્તાર આવેલો છે. આ રોડ પરના વિવિધ ગામોની હદમાં અસંખ્ય પત્થરની ખાણો લાંબા સમયથી કાર્યરત છે. સામાન્ય રીતે લીઝો અને ખાણોના સંચાલકોએ ઘણા બધા નિયમો જાળવવાના હોય છે. તેમાં નિયમ મુજબની રોયલ્ટી, વાહનોમાં ઓવરલોડ જથ્થો ન ભરવો, જેટલી જગ્યામાં ખોદકામની છુટ મળેલ હોય તેટલીજ જગ્યામાં ખોદકામ કરવુ ઉપરાંત ઘણા બધા નિયમોનું પાલન કરવાનુ હોય છે. આ પંથકના વિવિધ ગામોની હદમાં પત્થરની ખાણો આવેલી છે. આ લીઝોમાં જરુરી નિયમોનું યોગ્ય પાલન થતુ નથી એવી ચર્ચાઓ લાંબા સમયથી ઉઠવા પામી છે. ઝઘડીયા તાલુકાની મોટાભાગની વસતી આદિવાસી જનતાની છે. તાલુકાના ગરીબ આદિવાસીઓ માટે વનવિસ્તાર અતિ મહત્વનો ગણાય. વન્ય આધારિત ઉપજો ગ્રામ્ય જનતા માટેના ગુજરાનનું એક મહત્વનુ સાધન ગણાય. આ માટે વન્ય વિસ્તારોનુ સર્વે થવુ જોઇએ અને સ્થાનિક આદિવાસીઓના ભોગે તેમાં થતી ઇતર પ્રવૃત્તિઓ બંધ થવી જોઇએ. ઝઘડીયા તાલુકાના વન્ય વિસ્તાર પર સ્થાનિક આદિવાસી જનતાનો અધિકાર છે. તાલુકામાં લાંબા સમયથી આડેધડ થઇ રહેલા પત્થરોના ખોદકામમાં જે-તે ગામોના હોદ્દેદારોએ ખાણ સંચાલકો નિયમિત રીતે નિયમોનુ પાલન કરે છે કે નહિ તે જોવુ જોઇએ. ખનીજ સંપતિ માટે જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ ફરજ બજાવે છે. ઉપરાંત તાલુકા સ્તરે પણ અધિકારીઓને તપાસની સત્તા હોય છે. પરંતુ લાંબા સમયથી આડેધડ થતા પત્થરોના ખોદકામમાં નિયમોની એસી કી તેસી કરતા ખાણ સંચાલકોને નિયમો સમજાવવા તંત્રએ આગળ આવવુ પડશે. સરકારે દરેક નાગરીકોને આરટીઆઇ એક્ટ મુજબ માહિતી મેળવવાનો અધિકાર આપ્યો છે. ત્યારે તાલુકાના વિવિધ ગામોની હદમાં ચાલતી પત્થરની અસંખ્ય ખાણો યોગ્ય રીતે નિયમોનું પાલન કરે તે માટે સ્થાનિક નાગરીકો એજ આગળ આવીને સંબંધિત તંત્રને જાગૃત કરવાનો સમય પાકી ગયો હોય એમ અત્યારે ચોખ્ખું જણાય રહ્યુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ