ઝઘડિયા પોલીસ ગત રાત્રિએ ઝઘડીયા જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ધારોલી ચોકડી પાસે આવતા બાતમી મળી હતી કે હિતેશ બકોરભાઈ પટેલ અને તેના માણસો આકાશ ટાઇલ્સ કંપની ઉપર રેકી કરી તેમના મળતીયા માણસો દ્વારા બંધ કંપનીમાંથી દિવસના સમયે ગેસ કટર વગેરે સાધનો વડે સ્ક્રેપ તથા મોટરો અને કિંમતી મશીનરી વગેરે સામાન કાપી તેની ચોરી કરીને અંકલેશ્વરના બાલવીર નામના ઇસમની સાથે સંપર્કમાં રહી આઇસર ટેમ્પામાં સામાન ભરાવી લઈ જાય છે અને આ બાબતે હીતેશ બકોરભાઈ પટેલ રેકી કરે છે, તેવી બાતમી મળતા બાતમીના આધારે ઝઘડિયા પી.આઇ વસાવાએ પોલીસ ટીમ સાથે આકાશ ટાઇલ્સ કંપનીમાં જતા ત્યાં કેટલાક ઇસમો બેટરી ટોર્ચ અને મોબાઈલના અજવાળામાં ટેમ્પામાં સ્ક્રેપ ભરી રહેલ જણાયા હતા. જેથી પોલીસે ટેમ્પા નજીક જઈને કોર્ડન કરી ચોરી કરનાર ઈસમોને પકડવા જતાં ચાર પાંચ જેટલા ઈસમો ભાગી ગયેલ હતા, જ્યારે રાકેશ કુમાર, ઘનશ્યામ શ્રીક્રિષ્ના, રોહિત શિવ પ્રસાદ અને વાજીત નાસીર શાહ નામના ઈસમોને પોલીસે ઝડપી લીધા હતા.
પોલીસે ૧૦૦૦ કિલો જેટલું સ્ક્રેપ, આઇસર ટેમ્પો તથા ૩ મોબાઈલ મળી કુલ રૂપિયા ૫,૩૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝઘડિયા પોલીસે આ અંગે રાકેશકુમાર હરિશંકર રહે. પાનોલી તા. અંકલેશ્વર, ઘનશ્યામ શ્રી ક્રિષ્ના યાદવ હાલ રહે અંસાર માર્કેટ મૂળ રહે. એરડી બલરામપુર ઉત્તર પ્રદેશ, રોહિત શિવપ્રસાદ સોમનાથ બોધ રહે. અંસાર માર્કેટ મૂળ રહે. શિશાસીના, ધોપલાપુર બલરામપુર ઉત્તર પ્રદેશ, વાજીત નાસીર શાહ રહે. નવલ માર્કેટ અંકલેશ્વર મુળ રહે. ભાવપુમીરા સિદ્ધાર્થ નગર, બાલવીર રહે. અંકલેશ્વર તેમજ હિતેશ બકોરભાઈ પટેલ રહે. તલોદરા તા. ઝઘડિયા તથા અન્ય ચાર પાંચ જેટલા અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ