ભરૂચ જિલ્લાન ઝઘડિયા જીઆઇડીસી વિસ્તાર આવેલ એક ખાનગી કંપનીમાં આજે સવારે મેઇન્ટેનન્સની કામગીરી દરમ્યાન અચાનક ધડાકો થતા ઘટના સ્થળે હજાર ૩ થી વધુ કામદારોને નાની મોટી ઇજાઓ પહોંચતા તમામને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગેનું પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ નાઇટ્રેક્ષ કેમીકલ ઇન્ડિયા લી. નામની કંપનીમાં આજે સવારે મેઇન્ટેનન્સની કામગીરી ચાલી રહી હતી દરમિયાન કમ્પ્રેશરમાં પ્રેશર વધી જતાં અચાનક ધડાકો થતા એક સમયે કંપનીના કામદારોમાં ભારે દોડધામ સર્જાઈ હતી, ઘટના અંગે ઝઘડિયા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરના બે જેટલા લાય બંબા ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
તો બીજી તરફ ધડાકાની સમગ્ર ઘટનામાં ઇજાગ્રસ્ત કામદારોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમજ અન્ય એક કામદારને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે, ઘટના બાદ સ્થળ ઉપર ફેકટરી ઇન્સ્પેક્ટર સહિતનો કાફલો પહોંચ્યો હતો અને ઘટના અંગેની જાણકારી પ્રાપ્ત કરી હતી.
મહત્વની બાબત છે કે જિલ્લાના ઉધોગોમાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વધુ એક ઘટના ઝઘડિયા જીઆઇડીસી માંથી સામે આવતા અને કામદારોના ઈજાગ્રસ્ત થવાની બાબત બાદથી કામદારો પાસે સેફટીના પૂરતા સાધનો હતા કે કેમ તે અંગે પણ સમગ્ર ઘટના બાદ તપાસ કરવી ખૂબ જરૂરી જણાય છે, હાલ તો મામલે ફેકટરી ઇન્સ્પેક્ટર તેમજ ઝઘડિયા પોલીસે વધુ તપાસ હાથધરી છે.