રાજ્યના હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠાની આગાહી કરી હતી. આજરોજ ઝઘડિયા તાલુકાના ઝઘડિયા રાજપારડી ઉમલ્લા ધારોલી પાણેથા ગોવાલી સહિતના વિસ્તારોમાં બપોરે ૩ વાગ્યે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. લગભગ એક કલાકથી વધુ સમય ચાલેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પર તેની અસર પડી હતી. કમોસમી વરસાદના કારણે ખેતી ઉપરાંત જનજીવન પર પણ તેની સીધી અસર જોવા મળી હતી. વાહન વ્યવહાર પણ વરસાદના પગલે ખોરવાયો હતો.
ઝઘડિયા તાલુકામાં વાવેતર થયેલ શિયાળુ પાકો શાકભાજી તુવેર કપાસ જેવી ખેતીને મહદઅંશે નુકશાન થવાની ભીતિ ખેડૂતો અનુભવી રહ્યા છે. કમોસમી વરસાદના પગલે ઝઘડિયા પંથકમાં નર્મદા કિનારાના વિસ્તારમાં મોટાપાયે થતી શેરડીના વાવેતરની હાલના કાપણીમાં પણ વરસાદની અસર થશે. વરસાદના પગલે મજૂરો શેરડી કાપી શકે નહીં અને વાહનો ખેતર સુધી પહોંચી શકશે નહીં. એકંદરે ઝઘડિયા તાલુકામાં આવેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતો સહિત લગ્ન પ્રસંગો લઈને બેઠેલા પરિવારોને પણ અસર થવા પામી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ