ઝઘડિયા ખાતે ચોકડી પર એક બાઇક સવાર દંપતીને સામેથી રોંગ સાઈડે આવતી એક બાઇકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
વિગતો મુજબ ગત શનિવારના રોજ દિપકભાઇ તથા તેમના પત્ની કેસરવા ગામે આવેલ તેમના ખેતરે ખેતીના કામે જતા હતા, ત્યારે ઝઘડિયા ચોકડીથી આગળ જતા રોંગ સાઈડે આવતી એક બાઇક તેમની બાઇક સાથે અથડાઇ હતી. આ બાઇક દીપકભાઈની બાઈક સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં દિપક તથા તેની પત્ની રોડ પર પડી ગયા હતા. ઈજાગ્રસ્ત થયેલ દંપતિને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આ અકસ્માતમાં દીપકભાઈને ખભાના ભાગે ફેક્ચર થયુ હતું. અકસ્માતની આ ઘટના અંગે દીપકભાઈએ ઝઘડિયા પોલીસમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ લખાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકામાંથી પસાર થતો રાજ્ય ધોરીમાર્ગ દિવસે દિવસે વિકૃત બની રહ્યો છે. ઉમલ્લા રાજપારડી ઝઘડીયા વચ્ચે નાનામોટા સેંકડો વાહનો પોતાની સાઇડ છોડીને રોંગ સાઇડે દોડતા જણાય છે. માર્ગ બિસ્માર હોઇ નાછુટકે વાહનોએ રોંગ સાઇડનો ઉપયોગ કરવો પડતો હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. રોંગ સાઇડે દોડતા વાહનોથી વારંવાર અકસ્માત થતા હોવાની વાતો ઉઠવા પામી છે ત્યારે રોંગ સાઇડે દોડતા વાહનો પ્રત્યે તંત્ર લાલ આંખ કરે તે જરુરી બન્યુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ