ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અવિધા પંથકની સીમમાં આવેલ કેટલાક શેરડીના ખેતરોમાં આગ લાગતા ખેડૂતોને મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.
આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ અવિધા ગામે અમીન ફળીયામાં રહેતા પ્રતિકભાઇ પ્રવિણભાઇ પટેલના અવિધાથી કરાડ જવાના રસ્તા પર આવેલ ખેતરમાં શેરડીનું વાવેતર કરેલુ છે. ગતરોજ તેમને ખબર મળી હતી કે તેમના શેરડીના ખેતરમાં આગ લાગી છે. તેમણે ખેતરે જઇને જોતા ઉભો શેરડીનો પાક સળગતો હતો. દરમિયાન તેમને જાણવા મળ્યુ હતુ કે અવિધા ગામના અન્ય ૭ જેટલા ખેડૂતોના કરાડ તેમજ પોરા ગામની સીમમાં આવેલ શેરડીના ખેતરોમાં પણ આગ લાગતા શેરડી સળગી ગયેલ છે. આ ખેતરોમાં કોઇ અગમ્ય કારણોસર આગ લાગી હોવાની ફરિયાદ પ્રતિકભાઇ પ્રવિણભાઇ પટેલ રહે.અવિધા તા.ઝઘડીયાનાએ રાજપારડી પોલીસમાં લખાવી હતી. આ ઉપરાંત અવિધાના અમીન ફળિયામાં રહેતા હાર્દિકભાઇ ઇન્દ્રવદન પટેલે પણ તેમણે ભાગે ખેડવા રાખેલ સીમધરા ગામની સીમમાં આવેલ ખેતરમાં પણ આગ લાગતા શેરડીનો પાક સળગી ગયો હોવાની ફરિયાદ લખાવી હતી. ઉપરાંત તેમના ખેતરની બાજુમાં આવેલ અન્ય ૯ જેટલા શેરડીના ખેતરોમાં પણ આગ લાગતા શેરડી સળગી ગઇ હતી. શેરડી સળગવાની આ બીજી ફરિયાદ મુજબ હાર્દિકભાઇના ખેતરના સેઢા ઉપર આવેલ વીજળીના થાંભલા પર ફોલ્ટ થતાં તેમાંથી તણખા ઝરતા શેરડીના ખેતરોમાં આગ લાગી હોવાનું જણાવાયુ હતુ. રાજપારડી પોલીસે આ બન્ને ફરિયાદ બાબતે નોંધ લઇ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છેકે ઝઘડીયા તાલુકામાં લાંબા સમયથી શેરડી પાકનુ વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે. શેરડીના ખેતરોમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે, અને તેનાથી ખેડૂતોને મોટુ નુકશાન વેઠવાનો વારો આવતો હોય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ