ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી પસાર થતી નર્મદાના વિશાળ પટમાં લાંબા સમયથી આડેધડ રેત ખનન થઇ રહ્યુ છે. સામાન્ય રીતે રેતખનનમાં ઘણા નિયમોનું પાલન લીઝધારકે કરવાનુ હોય છે.
ઝઘડીયા તાલુકાના પાણેથા ઇન્દોર પંથકમાંથી વહેતી નર્મદા નદીમાંથી પણ પાછલા લાંબા સમયથી રેતી ઉલેચવાની સમસ્યા પ્રવર્તી રહી છે. આ પંથકના નર્મદા કાંઠા વિસ્તારના અઢાર જેટલા ગામોની જનતાની અવરજવર માટે પાણેથા ઉમલ્લાનો રોડ મહત્વનો છે. ઉમલ્લા રાજપારડી ઝઘડીયા તેમજ ભરુચ અંકલેશ્વર અને રાજપિપલા તરફ જવા આવવા માટે આ પંથકના ગામોની જનતાએ ઉમલ્લા સુધી આવવા આ માર્ગનો ઉપયોગ કરવો પડે છે. આ માર્ગ પર નર્મદાના તટમાંથી રેતી ભરીને જતા વાહનોની સમસ્યાને લઇને આ ગામોની જનતા ત્રાસી ગઇ હોવાની વાતો સામે આવવા પામી છે. રેતી ભરેલા વાહનો પૈકી મોટાભાગના વાહનો ઓવરલોડ જથ્થો ભરીને દોડતા હોય છે. પાણેથા પંથકને ઉમલ્લા સાથે જોડતો આ માર્ગ ઓવરલોડ વાહનોની મોટી અવરજવરને લઇને બિસ્માર બની ગયો હતો. વર્ષો બાદ રોડ નવો બનાવવાની કામગીરી શરુ થઇ છે,ત્યારે હાલમાં નવા બનતા રોડ પર થઇને પણ ઓવરલોડ વાહનોની અવરજવર ચાલુ રહેતા રોડ કેટલો સમય ટકશે તે બાબતે ગ્રામજનો ચિંતિત બન્યા છે. આ પંથકના ગ્રામજનોના જણાવ્યા મુજબ આ અઢાર ગામોની જનતાની અવરજવર માટેના આ માર્ગ પરથી ઓવરલોડ રેતી ભરીને દોડતા વાહનો બાબતે ખાણખનિજ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓને વારંવાર રજુઆત કરવા છતા કોઇ પગલા લેવાતા નથી તેથી અધિકારીઓ અને રેતમાફિયાઓ વચ્ચે સાઠગાંઠ હોવાની શંકા જણાય છે.
ખરાબ રસ્તાને લઇને આ પંથકમા એમ્બ્યુલન્સને આવવામાં પણ તકલીફ પડે છે. ઉપરાંત લાંબા સમયથી આ પંથકના ગામો બસ સેવાથી પણ વંચિત છે. તેને લઇને ગ્રામજનો ઉપરાંત વિધ્યાર્થીઓને પણ હાલાકિ ભોગવવી પડે છે. નદીના પટમાં પાણીમાં નાવડીઓ મુકીને રેતી ઉલેચાય છે, જે બાબત રેત ખનનના નિયમ વિરુદ્ધ હોવા છતા કોઇ પગલા લેવાતા નથી. પાણીમાંથી રેતી ઉલેચવાનુ કૃત્ય નિયમ વિરુધ્ધનું ગણાવતા ગ્રામજનોએ આ બાબતે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તેનાથી જળચર જીવોને નુકશાન થતુ હોવાની લાગણી વ્યક્ત કરી હતી. દરમિયાન ઓવરલોડ વાહનોની સમસ્યાથી ત્રસ્ત ગ્રામજનોએ આજે નાછુટકે તંત્રને જાગૃત કરવા રેતીની ટ્રકોને રોકીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
ગ્રામજનોના જણાવ્યા મુજબ આજે ચાલીસથી પચાસ જેટલી ટ્રકો ગ્રામજનોએ અટકાવી હતી. મોટાભાગની ટ્રકો ઓવરલોડ જથ્થો ભરેલી હોવાનુ ગ્રામજનોએ જણાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે આ પંથકમાંથી રેતી ભરીને જતા વાહનો ઉમલ્લા રાજપારડી અને ઝઘડીયાની ચોકડીઓ પરથી પસાર થાય છે. આ ત્રણે સ્થળોએ ટ્રાફિક પોલીસના જવાનો કાર્યરત હોય છે, છતાં ઓવરલોડ અને નિયમોનો ભંગ કરીને દોડતા આવા વાહનો કેમ અટકતા નથી એવો સવાલ પણ ગ્રામજનોમાં જણાય છે. ત્યારે આ બાબતે હવે તંત્ર જાગૃત થઇને નિયમોનો ભંગ કરતા રેત માફિયાઓ અને વાહનો બાબતે પગલા ભરશે ખરુ? કે પછી ઘીના ઠામમાં ઘી પડયુ રહેશે? ગ્રામજનોના જણાવ્યા મુજબ વડોદરા જિલ્લાની હદમાં આવેલ રેતીની લીઝ સંબંધી વાહનો પણ પાણેથા ઉમલ્લા રોડ પરથી પસાર થતા હોઇ સમસ્યા દિવસે દિવસે ઘેરી બનતી જાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ