ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં નર્મદા કિનારે ગોવાલી બેટ પરથી ભરુચના ૨૮ વર્ષીય તબીબ યુવકનો નદીમાં ડુબી ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો હતો.
ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ભરુચ ખાતે રહેતા અને દવાનો વ્યવસાય કરતા બાબુભાઇ ગજરાજભાઇ રાઠોડનો ૨૮ વર્ષીય અભિષેક નામનો પુત્ર ડોકટર હોઇ ભરુચ ખાતે એક દવાખાનામાં તબીબ તરીકે ફરજ બજાવતો હતો. ગત તા.૧૩ મી ના રોજ અભિષેક બપોરના સમયે અમદાવાદ જવાનુ કહીને હોસ્પિટલમાંથી નીકળી ગયો હતો. પરંતુ ત્યારબાદ અભિષેક પોતાના ઘરે પરત ન ફરતા તેના પિતા બાબુભાઈએ ભરુચ ખાતે પોલીસમાં ફરિયાદ લખાવેલ હતી. યુવક જે કાર લઇને ગયો હતો તે કાર ભરુચ નજીક નર્મદા મૈયા બ્રીજ ઉપરથી બિનવારસી હાલતમાં મળી હતી. દરમિયાન તા.૧૬ મી ના રોજ ઝઘડીયા તાલુકાના નર્મદા કિનારે ગોવાલી બેટ ખાતે એક મૃતદેહ નર્મદા કિનારે નદીમાં ડુબી ગયેલ અને ડી કમ્પોસ્ટ હાલતમાં મળી આવતા ઝઘડીયા પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઝઘડીયા પીઆઇ વસાવા અને પોલીસ ટીમે ઘટના સ્થળે જઇને મૃતદેહનો કબજો મેળવીને મૃતદેહની ઓળખ માટે જહેમત કરીને કવાયત હાથ ધરી હતી.તપાસ દરમિયાન પોલીસને મૃતકના પેન્ટનાં ખિસ્સામાંથી એપલ કંપનીનો મોબાઇલ તેમજ ઘડિયાળ મળી આવ્યા હતા. જેના આધારે પોલીસ તપાસ દરમિયાન આ મૃતદેહ ભરુચના ગુમ થયેલ તબીબ યુવક અભિષેકનો હોવાનું જણાયુ હતુ. પોલીસે મૃતકના પિતાને ફોન દ્વારા આ ઘટનાની જાણ કરતા યુવકના માતાપિતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને નદી કિનારેથી મળેલ મૃતદેહ તેમના ગુમ થયેલ પુત્રનો હોવાનું જણાવ્યુ હતુ. ભરુચ ખાતેથી અમદાવાદ જવાનુ કહીને નીકળેલ આ તબીબ યુવાનનો નદીમાં ડુબેલી હાલતમાં મૃતદેહ મળતા તેના મોત બાબતે હાલ તો રહસ્ય સર્જાયુ છે. યુવકનુ મોત નદીમાં નહાતી વખતે ડુબી જવાથી થયુ હોય અથવા તેનુ મોત આત્મહત્યા છે કે કોઇએ તેની હત્યા કરી છે એ બાબતે હાલતો રહસ્ય સર્જાયુ છે. પોલીસ તપાસ દરમિયાન આ તબીબ યુવકના મોત બાબતનું રહસ્ય બહાર આવશે એમ જણાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ