ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાયસિંગપુરા નજીક ગતરોજ મોડી સાંજે મધ્યપ્રદેશના એક શ્રમજીવી પરિવારને અકસ્માત નડતા માતા તેમજ પુત્રનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું, જ્યારે પિતા પુત્રીનો આબાદ બચાવ થયો હતો.
મળતી વિગતો મુજબ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના વતની અને હાલ વલસાડ જિલ્લાના ડુંગળી ગામે રહીને મજુરી કામ કરતા દિનેશભાઈ બાબુભાઈ ડામોર ગતરોજ તેની પત્ની અનીતાબેન, ૩ વર્ષની પુત્રી ટીના અને દોઢ વર્ષીય પુત્ર વિકાસ સાથે વલસાડથી તેમના વતન જાંબુઆ જવા માટે ઝઘડિયા સુધી ટ્રકમાં આવ્યા હતા અને ઝઘડિયા નજીક સીમોદરા ગામ ખાતે રહેતા તેમના સંબંધી પરશુરામભાઈ ચૌધરીના ઘરે રોકાયા હતા. લોકડાઉન સમયે દિનેશભાઈની બાઈક પરશુરામભાઈ ચૌધરીના ઘરે મુકેલી હતી. તેઓ સીમોદરાથી તેમની બાઇક લઇને વતન જાંબુઆ જવા પત્ની અને બાળકો સાથે સાંજેે નીકળ્યા હતા. ઉમલ્લાથી આગળ રાજપીપળા તરફ જતા રાયસીંગપુરા ગામના નાળા પાસેથી તેઓ પસાર થઇ રહ્યા હતા ત્યારે દિનેશભાઈની બાઈક પાછળ સ્પિડમાં આવી રહેલ એક ટ્રકના ચાલકે તેમની બાઇકને પાછળથી ટક્કર મારી હતી, જેથી દિનેશભાઈ તથા તેમનો પરિવાર રોડ પર પડી ગયા હતા. દિનેશભાઈએ ઉઠીને જોતા તેમની પત્ની અનીતા તથા પુત્ર વિકાસને ટ્રકની અડફેટે ગંભીર ઈજાઓ થઈ હતી. દિનેશભાઈ તથા તેમની પુત્રી ટીનાને ઇજા થયેલ ન હતી. આ અકસ્માત બાદ નાગાલેન્ડ પાર્સિંગની ટ્રકનો ડ્રાઈવર ચાલુ ટ્રક મૂકીને ત્યાંથી નાસી ગયો હતો. અકસ્માતમાં દિનેશભાઈની પત્ની અનીતાબેન તથા દોઢ વર્ષીય પુત્ર વિકાસનું ઘટના સ્થળે જ મરણ થયું હતું, જેથી દિનેશભાઈ બાબુભાઈ ડામોરે ઉમલ્લા પોલીસમાં અકસ્માત સર્જીને ટ્રક મુકી નાસી ગયેલ ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકામાંથી પસાર થતા ધોરીમાર્ગ પર છાસવારે નાનામોટા અકસ્માતો થતા હોય છે. આવા અકસ્માતોમાં ઘણા જીવલેણ અકસ્માતોનો પણ સમાવેશ થાય છે. આ રોડ પર લાંબા સમયથી ઓવરલોડ અને બેફામ દોડતા વાહનોની સમસ્યા પ્રવર્તે છે, ત્યારે નિયમોનો ભંગ કરીને દોડતા વાહનો પ્રત્યે તંત્ર લાલ આંખ કરીને તેમને કાયદાનું ભાન કરાવે તેવી માંગ તાલુકાની જનતામાં ઉઠવા પામી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ