ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશનની ઓફિસ સામે આજરોજ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા અગાઉ ઝઘડીયા મામલતદારને સ્થાનિક બેરોજગારોને રોજગારી આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઇ પરિણામ નહીં આવતા આજરોજ મોટી સંખ્યામાં સ્થાનિક શિક્ષિત બેરોજગારો પ્રતિક ધરણા કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે વધુમા જણાવાયા મુજબ ઝઘડિયા તાલુકો મોટી આદિવાસી વસતિ ધરાવતો તાલુકો છે. તાલુકામાં મોટી સંખ્યામાં સ્થાનિક શિક્ષિત યુવાનો બેરોજગાર છે, છતાં તેમને નોકરી આપવામાં આવતી નથી અને ઝઘડિયા જીઆઇડીસીમાં બિન શિક્ષિત એવા પરપ્રાંતિય યુવાનોને નોકરી પર રાખવામાં આવે છે જે ચલાવી લેવાય નહીં. જો આગામી દિવસોમાં સ્થાનિક શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારી આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
વધુમાં જણાવાયા મુજબ જીઆઇડીસીની શરૂઆત થઈ ત્યારે સ્થાનિકોને રોજગારી મળશે તેઓ વાયદો કરવામાં આવ્યો હતો, જેથી હોંશે હોંશે ખેડૂતોએ તેમની જમીન જીઆઇડીસીમાં આપી હતી. પરંતુ જીઆઈડીસીની સ્થાપનાને આજે ૨૫ વર્ષ થયા બાદ પણ સ્થાનિક શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારી મળતી નથી. હાલમાં ઝઘડીયા જીઆઇડીસીમાં દોઢસોથી બસો જેટલી નાની મોટી કંપનીઓ કાર્યરત છે, જે પૈકી ઘણી કંપનીઓના પ્રદૂષણનો ભોગ સ્થાનિકો બને છે છતાં પણ રોજગારી મળતી નથી. બહારના લોકો કામ કરે છે તો સ્થાનિક લોકો ક્યાં જાય ? સ્થાનિક લોકો રોજગારીથી વંચિત છે જેથી દુખી છે. આ ધરણાના કાર્યક્રમથી ઝઘડિયા તાલુકાના શિક્ષિત બેરોજગારોને સ્થાનિક સ્તરે રોજગારી આપવા માંગ કરવામાં આવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ