ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે નહેરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. વિજય ભારતી સંસ્થા સારસાના પ્રમુખ રતિલાલ રોહિતે અત્રે પધારેલ નહેરુ યુવા કેન્દ્ર ભરૂચના જિલ્લા સંયોજક સુબ્રતો ઘોષ તેમજ અન્ય મહાનુભાવોનુ સ્વાગત કર્યુ હતુ.
આ પ્રસંગે જિલ્લા યુવા સંયોજક સુબ્રતો ઘોષ, નહેરુ યુવા કેન્દ્ર ભરૂચના દિવ્યજિતસિંહ ઝાલા તેમજ નેલ્સન સુબ્તરિયા ઉપરાંત સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વચ્છતા ઝુંબેશમાં જોડાયા હતા. આજે રોજિંદા વહેવારમાં પ્લાસ્ટિકની થેલીયોનો મોટાપાયે ઉપયોગ થાય છે. પ્લાસ્ટિકની થેલીયોના ઉપયોગ પછી તેને કચરાના રુપે નાંખી દેવાતી હોય છે.આ પ્લાસ્ટિકને જમીનમાં દાટી દેવાય તો પણ તે એમજ રહે છે તેને લઇને જમીનનું પ્રદુષણ ફેલાય છે અને પ્લાસ્ટિક કચરાને સળગાવાય તો વાયુનુ પ્રદુષણ થાય છે ત્યારે નહેરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા ઓકટોબર મહિના દરમિયાન વિવિધ ગામોએ ગ્રામજનોના સહયોગથી સ્વચ્છતા ઝુંબેશ યોજીને પ્લાસ્ટિક કચરો એકત્ર કરીને તેને આગળના પ્રોસેસ માટે ભરૂચ ખાતે લઇ જવાશે એમ જણાવાયુ હતુ.
નહેરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા આખા ઓકટોબર માસ દરમિયાન યોજાનાર સ્વચ્છતા ઝુંબેશ પર્યાવરણની જાળવણીના ભાગરુપે હોઇ સ્થાનિક ગ્રામજનો દ્વારા કાર્યક્રમને આવકારવામાં આવ્યો હતો. સારસા ઉપરાંત નજીકના સિમધરા તેમજ નવાપોરા ગામે પણ નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સ્વચ્છતા કાર્યક્રમ યોજાયા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ