ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરાના નાગરિક અજય ચુનીલાલ વસાવાએ ગત તારીખ ૧૫.૬.૨૧ ના રોજ ગ્રામ પંચાયત દુમાલા વાઘપુરા પાસે ગ્રામપંચાયત તરફથી છેલ્લા પાંચ વર્ષના સમયગાળામાં કરેલ વિકાસના કામો અને તેના ખર્ચ સહિતની તથા સરકારી અનુદાન અને ૧૩, ૧૪, ૧૫ માં નાણાપંચની વિગતવાર માહિતી તથા અન્ય માહિતીની માંગણી કરેલ. દુમાલા વાઘપુરાના તલાટી દ્વારા માહિતી નહીં આપતા તેની સામે મદદનીશ જાહેર માહિતી અને તલાટી કમ મંત્રી સામે પ્રથમ અપીલ અન્વયે ત્રણ સુનાવણી રાખવામાં આવેલ હતી.
આ સુનાવણી દરમિયાન પ્રથમ અપીલ અધિકારીએ તા.૬.૯.૨૧ ના રોજ હુકમ કરી મદદનીશ જાહેર માહિતી અને તલાટી કમ મંત્રી દુમાલા વાઘપુરાને પંદર દિવસમાં માંગેલ માહિતિ મોકલી આપવા હુકમ કરેલ હતો, તેમ છતાં અરજદારને કોઈ માહિતી આપવામાં આવી ન હતી. અપીલ અધિકારીએ કરેલા હુકમ મુજબ કાયદાનું અમલીકરણ ન કરી આજદિન સુધી કોઈ માહિતી ન મળવાથી અરજદાર અજય ચુનીલાલ વસાવાએ મુખ્ય માહિતી કમિશનર ગુજરાત માહિતી આયોગ ગાંધીનગરને બીજી અપીલ કરેલી છે. અરજદારે મુખ્ય માહિતી કમિશનર પાસે માંગ કરી છે કે માંગેલ માહિતી જાહેર રેકર્ડની હોય તેમ છતાં કોઇ માહિતી ન આપવા સામે તાકીદે સુનાવણી રાખી માહિતી મળે તેવો આદેશ કરવો. માહિતી અધિકાર કાયદા હેઠળ કરેલ અરજી બાબતે કોઈ કાર્યવાહી ન કરી અરજદારને સામાજિક અને આર્થિક નુકસાન થયુ હોવાનુ રજુઆતમાં જણાવાયુ હતુ. ફરજમાં નિષ્કાળજી દાખવનાર જવાબદાર અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરીને જરૂરી આદેશ કરવાની માંગ અરજદારે માહિતી કમિશનર પાસે કરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ