ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વાહન ચોરો બેફામ બન્યા હોવાની વાત સામે આવી છે. જે વાત તાજેતરના અઠવાડિયામાં થયેલ વાહન ચોરીની ઘટનાઓ પરથી ફલિત થાય છે. જેસપોર ગામેથી બે ઇકો કારની ચોરી, ઝઘડિયા ટાઉનમાંથી બે મોટરસાઈકલોની ચોરી કરી તેના ટુકડા કરી નંખાયા અને ત્યાર બાદ આજરોજ વધુ બે મોટરસાયકલોની ઉઠાંતરી થતા તાલુકાની જનતા ચિંતિત બની છે.
ગતરોજ ઝઘડિયા ટાઉનમાંથી એક સાથે બે મોટરસાયકલોની ચોરી થવા પામી હોવાની ઘટના બનવા પામી છે. ઝઘડિયાના હનુમાન ફળિયામાં રહેતા સાર્થક રમાકાંત પુરોહિત તથા પ્રતાપસિંહ જવાહરસિંહ પવારે તેમની મોટરસાઇકલો લોક કરીને ઘરની બહાર પાર્ક કરેલ હતી, જે બંને મોટરસાયકલો પેંધા પડેલા ચોરો દ્વારા લોક તોડીને ઉઠાંતરી કરવામાં આવી હતી. કુલ રૂ.૭૫ હજારની કિંમતની આ બે મોટરસાઈકલોની ચોરી થતા સાર્થક રમાકાંત પુરોહિતે ઝઘડિયા પોલીસ મથકમાં મોટરસાયકલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં હાલ પેંધા પડેલા વાહનચોરોને જાણે કોઇનો ડર રહ્યો હોય એમ લાગતુ નથી, અને આવા વાહનચોરો જાણેકે કાયદાની એસી કી તેસી કરીને બિંદાસ રીતે વાહન ચોરીને અંજામ આપતા દેખાય રહ્યા છે. લોકોના વાહનોની ઉઠાંતરી કરીને જાણે પોતાના બાપની મિલકત હોય એમ વેચી નાંખતા ઉઠાવગિરોને ઝડપી લેવા તાકીદે ઘટતા પગલા ભરાય તે ઇચ્છનીય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ