ભરૂચ જિલ્લામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા મળેલ સુચનાના અનુસંધાને નેત્રંગ પોલીસે નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી લીધા હતા.
આ અંગે મળતી વિગતો મુજબ નેત્રંગ તાલુકાના ઝરણા ગામનો દિનેશ ઉર્ફે ધીરુ મગનભાઈ વસાવા નામનો ઇસમ ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુના હેઠળ છેલ્લા પાંચ મહિનાથી પોલીસ પકડથી દુર રહીને નાસતો ફરતો હતો. નેત્રંગ પીએસઆઇ એન.જી.પાંચાણીને બાતમી મળી હતી કે ઉપરોક્ત આરોપી ઝરણા ગામે તેના ઘરે હાજર છે. પોલીસે મળેલ બાતમી મુજબ આરોપીના ઘરે ઝરણા ગામે છાપો મારીને તેને ઝડપી લીધો હતો. આ આરોપી ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં નાસતો ફરતો હોવા ઉપરાંત નેત્રંગ, ડેડીયાપાડા અને બોડેલી કોર્ટનો નોન બેલેબલ વોરંટનો આરોપી હોવાનુ પોલીસે જણાવ્યુ હતુ. ઉપરાંત નેત્રંગ પોલીસે મળેલ બાતમીના આધારે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનાનો નાસતો ફરતો આરોપી જાવલો ઉર્ફે કાલુ શંકરભાઈ વસાવા રહે.નેવડીયા આંબા તા.સાગબારા જિ.નર્મદાને સાગબારા ખાતેથી ઝડપી લીધો હતો. પોલીસે આ ઝડપાયેલા આરોપીઓ સંબંધે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ