ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પ્રાંકડ અને જુનીજરસાડ ગામો વચ્ચેથી માધુમતિ ખાડી પસાર થાય છે. આ બે ગામો વચ્ચે માધુમતિ ખાડી પર પુલ બનાવવામાં આવે એવી આ ગામોના લોકોની વર્ષો જુની માંગ છે. પ્રાંકડ ગામેથી જુનીજરસાડ જવા માટે ખાડી ઓળંગીને જવુ પડે છે. આમ તો આ બે ગામો વચ્ચે એક કિલોમીટર જેટલુ અંતર છે, પરંતુ ચોમાસામાં જ્યારે ખાડી બે કાંઠે વહેતી હોય ત્યારે ગ્રામજનોએ એકથી બીજા ગામે જવા માટે વાયા રાજપારડી અવિધા થઇને ૧૨ કિલોમીટરનું અંતર કાપીને જવુ પડે છે. પ્રાંકડના અગ્રણી નરેન્દ્રસિંહ રાજના જણાવ્યા મુજબ ખાડીની સામા કાંઠે ખેતરો ધરવતા ખેડૂતોએ ખેતીના કામ માટે અવારનવાર પશુઓ સાથે ખાડી ઓળંગીને પોતાના ખેતરોએ જવુ પડતુ હોય છે. ચોમાસા દરમિયાન ખાડી બે કાંઠે વહેતી હોય ત્યારે ગ્રામજનોએ ભારે હાલાકિ ભોગવવી પડે છે. ગ્રામજનોની વર્ષો જુની માંગ છે કે આ બે ગામો વચ્ચેથી વહેતી માધુમતિ ખાડી પર પુલ અથવા છલિયુ બનાવવામાં આવે, જેથી બન્ને ગામોના લોકોને સામા કાંઠે જવા આવવામાં સુગમતા રહે. આ બન્ને ગામોના નાગરીકો દ્વારા આ અંગે મુખ્યમંત્રીને રજુઆત પણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યુ છે. તેથી પ્રાંકડ અને જુનીજરસાડ ગામોના નાગરીકોની સુવિધા માટે આ સ્થળે માધુમતિ ખાડી પર પુલ અથવા છલિયુ બનાવવામાં આવે તે ઇચ્છનીય છે. જો આ બે સ્થળો વચ્ચે માધુમતિ ખાડી પર પુલની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવે તો ભાલોદ પંથકના ગામોની જનતા માટે વાયા અવિધા થઇને ઝઘડીયા તરફ જવા માટેના અંતરમાં ઘટાડો થઇ શકે, જેથી જનતાના કિંમતી નાણાં અને સમયનો પણ યોગ્ય બચાવ થઇ શકે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ