ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ભાદરવા માસ દરમિયાન વરસાદ જોર પકડી રહ્યો છે. અવિરત વર્ષાના કારણે તાલુકામાં જનજીવન અને વાહનવ્યવહાર પર તેની અસર દેખાય છે. વિતેલા ત્રણ દિવસો દરમિયાન ઝઘડિયા તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો છે. પાંચ ઇંચ જેટલો વરસાદ છેલ્લા ૧૫ કલાકમાં તાલુકામાં નોંધાઇ ચુક્યો છે.
તાજેતરમાં સૂસવાટા મારતા પવન અને વિજળીના કડાકા સાથે વરસાદ થયો છે. મુશળધાર વરસાદને લઇને તાલુકામાં નદી નાળા છલકાઈ ગયા હતા. ધોરીમાર્ગ સહિત તાલુકાના આંતરિક માર્ગો પર કેટલાક સ્થળોએ વરસાદી પાણીનો ભરાવો થતા તેની અસર વાહનવ્યવહાર પર જોવા મળી હતી. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી બ્રોડગેજ રેલવે લાઇન પર બનાવેલા રેલ્વે ગરનાળાઓમાં પાણી ભરાવાની સમસ્યાને લઇને ગ્રામજનોને હાલાકિ ભોગવવી પડતી હોવાની વાતો સામે આવી છે. વરસાદના કારણે કેટલાક સ્થળોએ વીજ પુરવઠો ખોરવાયો હતો, જેના કારણે મોબાઈલ નેટવર્ક પણ બંધ થઈ ગયા હતા. આ લખાય છે ત્યારે પણ આકાશ વાદળછાયુ છે,અને થોડીથોડી વારે હળવા વરસાદી ઝાપટા પડી રહ્યા છે. રાજપારડી પંથકમાંથી પસાર થતી માધુમતિ નદીના ઉપરવાસ અને હેઠવાસમાં ભારે વરસાદના કારણે માધુમતિ નદી પરના ધોલી ડેમમાં પાણીની આવક વધી રહી છે અને આગામી બે દિવસો દરમિયાન પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી છે ત્યારે ધોલી ડેમ ઓવરફ્લો થવાની સંભાવના રહેલી છે.તેને લઇને તંત્ર દ્વારા માધુમતિના કાંઠા વિસ્તારના ધોલી, રઝલવાડા, બીલવાડા, કાંટોલ, મોટાસોરવા, કપાટ, તેજપુર, હરિપુરા, રાજપારડી, સારસા, વણાકપોર, જરસાડ, રાજપુરા વિ.ગામોના લોકોને ખાડીમાં અવરજવર ન કરવા તેમજ ઢોરોને ખાડીમાં ન લઇ જવા સાવચેત કરવામાં આવ્યા છે.
ચોમાસાના આગલા મહિનાઓમાં વરસાદની જે કમી અનુભવાઇ રહી હતી તે ભાદરવો ભરપુર બનીને સીઝનનો મોટાભાગનો વરસાદ હાલમાં નોંધાઇ ચુક્યો છે. વરસાદના આગમને આગામી ઉનાળામાં સંભવિત પીવાના પાણીની અને પશુઓ માટેના ઘાસચારાની સમસ્યાથી છુટકારો મળ્યો છે. જોકે વિતેલા ત્રણેક દિવસથી થઇ રહેલા અવિરત વરસાદને લઇને ચોમાસુ ખેતીને રાહતની સાથેસાથે અમુક પાકોમાં નુકશાનની ભીતિ પણ ખેડૂત આલમ અનુભવી રહ્યો છે. અવિરત વરસાદને લઇને સ્વાભાવિક જ તેની અસર ઝઘડીયા તાલુકામાં જનજીવન પર દેખાઇ રહી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ