ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના એક ગામની એક સગીર વયની યુવતીને ફળિયામાં જ રહેતો એક યુવક લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાની ઘટના બનવા પામી છે.
આ અંગે મળતી વિગતો મુજબ તાલુકાના એક ગામે રહેતો એક આદિવાસી પરિવાર મહેનત મજુરી કરીને ગુજરાન ચલાવે છે. આ પરિવારને સંતાનમાં એક ૧૬ વર્ષની સગીર વયની પુત્રી પણ છે. ગત તા.૨૩ મીના રોજ પરિવારના સભ્યો રાતના દસેક વાગ્યાના અરસામાં જમી પરવારીને સુઇ ગયા હતા. દરમિયાન ત્યારબાદ ઘરની મહિલા વહેલી સવારે ત્રણેક વાગ્યે જાગી ગયેલ અને તેણે ઘરના આગળના ભાગમાં જોતા ત્યાં સુતેલી તેની ૧૬ વર્ષની પુત્રી પથારીમાં જણાયેલ નહિ. જેથી આ મહિલાએ ઘરના બીજા સભ્યો તથા તેના પતિને જગાડીને જણાવેલ કે આપણી પુત્રી ઘરમાં નથી. ત્યારબાદ ગુમ થયેલ આ સગીરાને ગામમાં તથા આજુબાજુમાં શોધવા છતાં તેની કોઇ ભાળ મળી નહતી. આ પરિવારને જાણવા મળ્યુ હતુ કે ફળિયામાં રહેતો કૌશિકકુમાર જેન્તીભાઇ વસાવા નામનો યુવક આ સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઇને નાસી ગયો છે. સગીરાના પરિવારે કૌશિકના ઘેર જઇને તપાસ કરતા તે પણ રાત્રી દરમિયાન ઘરેથી ક્યાંક જતો રહ્યો હોવાનુ જાણવા મળ્યુ હતુ તેથી કૌશિક તેમની સગીર વયની દિકરીને પટાવી ફોસલાવીને લગ્નની લાલચ આપીને ભગાડી ગયેલ હોવાની ખાત્રી થવા પામી હતી. આ પરિવારની સગીર વયની પુત્રીને ગામનો જ કૌશિક નામનો યુવક લગ્નની લાલચ આપીને ભગાડી ગયેલ હોવાની જાણ થતા સગીરાની માતાએ આ યુવક કૌશિક વસાવા વિરુધ્ધ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા પોલીસે સગીરાને ભગાડી જનાર યુવક વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ