ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જેસપોર ગામે એક જ રાતમાં બે ઇકો ગાડીની ચોરી થવા પામી હોવાનો બનાવ બનવા પામ્યો છે.
મળતી વિગતો મુજબ જેસપોર ગામે રહેતા રામરાજભાઈ બાબુભાઈ વસાવા અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે. તેમની પાસે તેમની પોતાની એક ઇકો ગાડી છે. તા.૨૬ મીની રાત્રીએ તેઓ તેમની ઈકો ગાડી ઘર નજીક પાર્ક કરીને લોક કરી સુઈ ગયા હતા. વહેલી સવારે તેઓ જાગ્યા અને દુકાન ખોલી હતી તે દરમિયાન પાર્ક કરીને મુકેલ ઈકોગાડી તેની જગ્યાએ જણાયેલ નહિ. રામરાજભાઈએ તેમની ઈકો ગાડીની ગામમાં તપાસ કરી હતી પરંતુ તે મળી આવી ન હતી. આ ઉપરાંત જાંબોલી ગામના રામદાસભાઈ દેવજીભાઈ વસાવાએ પણ તેમની ગાડી જેસપોર ગામે પાર્ક કરીને મુકી હતી, અને તેની પણ ચોરી થઇ હોવાનું રામદાસભાઈએ રામરાજભાઈને જણાવ્યું હતું. આમ જેસપોર ગામેથી એક જ રાત્રી દરમિયાન બે ઇકો ગાડીઓની ઉઠાંતરી થવા પામી હતી. ચોરાયેલ બંને ઈકો ગાડીની ગામમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કરવા છતા તે મળી આવી ન હતી, જેથી રામરાજભાઈ બાબુભાઈ વસાવા તેમજ રામદાસભાઈ દેવજીભાઈ વસાવાએ પોતપોતાની ઈકો ગાડીઓ જેની કિંમત રૂપિયા આઠ લાખ જેટલી થાય છે તે જેસપોર ગામેથી રાત્રી દરમિયાન ચોરાઈ હોવા બાબતની ફરિયાદ ઝઘડિયા પોલીસમાં લખાવી હતી. આ ઘટનાને લઇને તાલુકામા ફરીથી વાહન ચોર ટોળકી સક્રિય બની હોવાનુ જાણવા મળ્યુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ