ઘણીવાર ચોમાસામાં વરસાદના કારણે કેટલાક કાચા અને જુના મકાનોની દિવાલો ધરાશાયી થતા ક્યારેક જાનહાનિ પણ થતી હોય છે. આવી જ એક ઘટના ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના મોટાસાંજા ગામે બનવા પામી છે. મોટાસાંજા ગામે જુની દિવાલ પડતા એક ૮૦ વર્ષીય વૃધ્ધ મહિલાનું મોત નીપજ્યુ હતુ. આ અંગે ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ તાલુકાના મોટાસાંજા ગામે રાયણી ફળિયામાં રહેતા મુકેશભાઇ બચુભાઈ વસાવાના ઘરની કાચી જુની દિવાલ આજે સવારે સાત વાગ્યાના અરસામાં એકાએક પડી ગઇ હતી. દિવાલ ધરાશાયી થવાની આ ઘટનામાં મુકેશ વસાવાના ૮૦ વર્ષીય માતા લખીબેન બચુભાઈ વસાવા દિવાલ નીચે દબાઇ જતા તેમને ગંભીર ઇજાઓ થવા પામી હતી. દિવાલ પડતા માથાના ભાગે ગંભીર રીતે ઇજા પામેલ આ વૃધ્ધાનું ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યુ હતુ. આ બનાવમાં ઘરના બીજા સભ્યોનો આબાદ બચાવ થયો હતો. આ અંગે મુકેશભાઇ બચુભાઈ વસાવા રહે.મોટાસાંજા,રાયણી ફળિયું,તા.ઝઘડીયા,જિ.ભરૂચનાએ ઝઘડીયા પોલીસમાં જાણ કરતા પોલીસે નોંધ લઇને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ