ઝઘડિયા તાલુકાના અશા ગામે રહેતા સંજય રામુભાઈ વસાવા તથા તેનો મિત્ર મંગા ઇશ્વરભાઇ વાઘરી પરચુરણ ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આજરોજ બંને ખેત મજુર માટે ગયા ન હતા જેથી બંને મિત્રો અશા ગામના નર્મદા કિનારે માછીમારી કરવા ગયા હતા. અશા ગામ ખાતે બનતા અશા માલસર બ્રિજ નજીક માછીમારી કરતા સમયે એક મિત્ર ડૂબવા લાગતા તેને બચાવવા જતા બંને મિત્રો નર્મદાના ધસમસતા પાણીમાં ડૂબી જવાની ઘટના બની હતી. ઝઘડિયાના ફાયર ટેન્ડરોની ભારે જહેમત બાદ ડૂબી ગયેલા સંજય રામુભાઇ વસાવાની લાશને ઉંડા પાણીમાંથી શોધી કાઢવામાં આવી હતી, જ્યારે હજી સુધી બીજા ડૂબી ગયેલા મંગાભાઇ ઇશ્વરભાઇ વાઘરીની લાશનો આ લખાય છે ત્યારે કોઈ પત્તો લાગ્યો નથી અને તેની શોધખોળ હાલમાં ચાલી રહી છે. અશા ગામના બે ઈસમો ડૂબી જવાની ઘટના આજુબાજુમાં ગામમાં પ્રસરી જતા લોકોના ટોળેટોળા અશા નર્મદા કિનારે ઉમટી પડ્યા હતા. માછીમારો ડૂબી જવાના ઘટનાના પગલે બંને પરિવારોમાં શોકની લાગણી છવાઈ હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી. ભરૂચ