ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બસ સેવા વિકસાવવા માંગ ઉઠવા પામી છે.
મળતી વિગતો મુજબ તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારો બસ સેવાથી વંચિત છે. આને લઇને વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને હાલાકિ ભોગવવી પડતી હોવાની વાતો જાણવા મળી છે. તાલુકાના ભાલોદ પંથકમાં બસ સેવાના અભાવે વિદ્યાર્થીઓને ખુબ તકલીફ પડે છે. ઉપરાંત ઉમલ્લા પંથકના નર્મદા કાંઠા વિસ્તારના પાણેથા વિભાગમાં પણ બસ સેવા અધ્યયન રીતે વિકસાવવા લોકમાંગ ઉઠવા પામી છે. તાલુકાના કોલિયાપાડા પંથકના અંતરિયાળ ગામો પણ બસ સેવાથી વંચિત હોવાના કારણે ગ્રામ્ય જનતાને તાલુકા મથકે તેમજ જિલ્લા મથકે જવા આવવામાં મોટી હાડમારીનો સામનો કરવો પડે છે. બસ સેવાથી વંચિત એવા ગ્રામિણ વિદ્યાર્થીઓને રાજપારડી, ઉમલ્લા, ઝઘડીયા જેવા મથકોએ અભ્યાસ માટે આવજા કરવામાં અગવડ પડે છે.
તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની જનતા વિવિધ જરુરી વસ્તુઓની ખરીદી માટે ઝઘડીયા, રાજપારડી, ઉમલ્લાના બજારોમાં આવતી હોય છે. બસ સેવાના અભાવે જનતાએ ખાનગી વાહનોની મોંઘી અને જોખમી મુસાફરી કરવી પડે છે. બસ સેવા ચાલુ હોયતો વિદ્યાર્થીઓને મુસાફરી માટે પાસનો લાભ મળે, પરંતુ બસ સેવાથી વંચિત વિદ્યાર્થી વર્ગને પણ નાછુટકે ખાનગી વાહનોનો આશરો લેવો પડે છે. તાલુકાના ભાલોદ કોલિયાપાડા પાણેથા સહિત અન્ય ગ્રામિણ વિસ્તારોમાં સઘન બસ સેવા વિકસાવીને વિદ્યાર્થીઓ સહિત જનતાને બસ સેવાનો લાભ આપવા તંત્રએ ઘટતા પગલા ભરવા જરૂરી છે. આ માટે ભરૂચ એસ.ટી ડિવિઝન અને ઝઘડીયા એસ.ટી ડેપોના સત્તાવાળાઓ તાલુકાની જનતા અને વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં તાકિદે આગળ આવે તે જરૂરી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ