ઝઘડિયા તાલુકાના ધારોલી ગામે રહેતા કુસુમબેન ગુરૂભાઈ વસાવા ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. કુસુમબેનના પતિ પાંચ વર્ષ પહેલા મરણ પામ્યા હોય કુસુમબેનના પિતા ગોકુળભાઈ વસાવા કુસુમબેન સાથે તેમના ઘરે જ રહેતા હતા.
ગામમાં પાંચમનો મેળો ભરાતો હોય કુસુમબેનનો પુત્ર રાજેશ તથા તેની પત્ની મેળામાં ગયા હતા અને કુસુમબેન કપડાં ધોવા માટે ખાડી પર ગઈ હતી. કુસુમબેન કપડાં ધોઈ ઘરે પરત આવતા હતા તે દરમિયાન કુસુમબેનના પિતા ગોકુળભાઈ તેમના ફળિયા બાજુથી ઘરે આવેલા અને તે દરમિયાન તેમને માથામાંથી લોહી નીકળતું હતું, જેથી કુસુમબેન તેમને પૂછતા ગોકુળભાઈએ જણાવેલ કે મને રવિયા રણછોડ વસાવાનાએ માથામાં લાકડીનો સપાટો મારી નાસી ગયો છે, જેથી કુસુમબેને રવિયો તેમના ઘરની સામે જ હોય તેના ઘરે કહેવા જતા તે તેના ઘરે મળેલો નહીં, તે દરમિયાન દિનેશભાઈ વસાવાએ કુસુમબેનને જણાવેલ કે અમારા ઘર આંગણામાં તમારા પિતા ગોકુળભાઈ ઊભા હતા ત્યારે રવાયા રણછોડ વસાવાના એ કોઈ કારણસર માથામાં લાકડીનો સપાટો મારેલો હતો, તેમને છોડાવવા વચ્ચે હું પડેલો પણ રવિયો વસાવા મારીને નાસી ગયેલ છે તેમ કહ્યું હતું. ઇજાગ્રસ્ત ગોકુળભાઈને ગામમાં દવાખાને લઈ જતા તેમને વધુ સારવાર અર્થે આગળ લઈ જવા જણાવ્યું હતું, જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને વાલીયા સરકારી દવાખાનામાં લઇ ગયા હતા અને ત્યાંથી ભરૂચ સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા. ભરૂચ સિવિલ દ્વારા ગોકુળભાઈને વધુ સારવાર અર્થે વડોદરા એસએસજીમાં લઈ જવા જણાવ્યું હતું. ગોકુળભાઈને ભરૂચથી વડોદરા લઈ જતા તેમનું રસ્તામાં જ મરણ થયું હતું. કુસુમબેન ગુરૂભાઈ વસાવાએ તેના પિતાની હત્યા બદલ મુકેશ રણછોડભાઈ વસાવા રહે. ધારોલી તા. ઝઘડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.