ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અમલઝર ગામના ગ્રામજનોએ ગત તા.4 ફેબ્રુઆરીના રોજ ઝઘડિયા નાયબ કલેકટરને સંબોધી અમલઝર ગામના સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા અનાજ વિતરણમાં બેદરકારી રખાતી હોવા સહિતના નવ જેટલા મુદ્દા સાથે આવેદનપત્ર આપ્યું હતું, જેની નકલ ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટર તથા ઝઘડીયા મામલતદારને પણ મોકલી હતી. મામલતદાર ઝઘડિયા દ્વારા આવેદનપત્ર મુજબની ફરિયાદનુ કોઈ નિરાકરણ નહિ લવાતા આવેદનપત્ર આપનાર ગ્રામજનો પૈકી નિતેશ દલપતભાઈ વસાવાએ ગત તા.ચોથી જુનના રોજ માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી માંગવા માટે અરજી કરી હતી. ઝઘડીયા મામલતદાર કચેરી દ્વારા સસ્તા અનાજની દુકાનની કથિત બેદરકારી બાબતે જે માહિતી માંગવામાં આવી હતી તે માહિતી અરજદારને સમય મર્યાદામાં આપવામાં આવી નથી, જેથી અરજદાર નિતેશ દલપતભાઈ વસાવાએ પ્રથમ અપીલ અધિકારી અને નાયબ કલેકટર ઝઘડિયાને અપીલ કરી હતી. અપીલના સંદર્ભે નાયબ કલેકટર ઝઘડિયા દ્વારા પક્ષકારોને નોટિસ આપી તા.પાંચમી તથા સત્તરમી ઓગસ્ટના રોજ સુનાવણી રાખવામાં આવી હતી. સુનાવણીમાં અરજદાર તથા નાયબ મામલતદાર પુરવઠા ઝઘડિયા હાજર રહ્યા હતા. નાયબ કલેકટર ઝઘડિયા અને પ્રથમ અપીલ અધિકારી દ્વારા તા.૨૩.૮.૨૧ ના રોજ હુકમ કરવામાં આવ્યો હતો કે અરજદારની પ્રથમ અપીલ અરજી મંજૂર કરવામાં આવે છે તથા મામલતદાર ઝઘડિયાને અરજદાર દ્વારા માંગેલ માહિતી દિન ૭ માં વિના મૂલ્યે આપવા હુકમ કરવામાં આવે છે, તેમ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ અપીલ અધિકારી અને નાયબ કલેકટર ઝઘડિયા દ્વારા તા.૨૩.૮.૨૧ ના રોજ ૭ દિવસની મુદતની અંદર અરજદારને તેની માહિતી પૂરી પાડવા હુકમ કરવામાં આવ્યો હતો, પરંતુ હુકમ થયાને પંદર દિવસથી વધુ સમય બાદ પણ ઝઘડીયા મામલતદાર દ્વારા અરજદારે માગ્યા મુજબની માહિતી નહીં અપાતા અરજદારે બીજી અપીલ કરવાની તૈયારી બતાવી છે. ઉલ્લેખનીય છેકે ઝઘડીયા તાલુકામાં બીપીએલ રેશનકાર્ડોની ફાળવણી બાબતે પણ ગેરરીતિઓ હોવાની બુમો ઉઠવા પામી છે ત્યારે આ બાબતે પણ મામલતદાર કચેરી પાસે આરટીઆઇ હેઠળ માહિતી માંગવામાં આવનાર હોવાની વાતો પણ સામે આવી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ