ભરૂચ જિલ્લાના અંકલેશ્વરને નર્મદા જિલ્લાના વડામથક રાજપિપલા સાથે જોડતો ધોરીમાર્ગ ચાર માર્ગીય બનાવવાની કામગીરી લાંબા સમયથી ખોરંભે પડી છે. રાજપિપલા નજીક કેવડીયા ખાતે નિર્માણ પામેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળને જોડતો આ મહત્વનો ધોરીમાર્ગ છે. ઉપરાંત રાજપિપલાની આગળ છોટાઉદેપુર જિલ્લા તરફથી આવજાવ કરતા વાહનો પણ સુરત મુંબઇ તરફ જવા આ માર્ગનો ઉપયોગ કરે છે. ચોવીસ કલાક વાહનોની રફતારથી ધબકતા રહેતા આ ધોરીમાર્ગને ચાર માર્ગીય બનાવવાની જાહેરાત થઇ ત્યારે ભરૂચ અને નર્મદા જિલ્લાની જનતામાં ખુશી ફેલાવા પામી હતી. રોડને ચાર માર્ગીય બનાવવાની કામગીરી થોડો સમય ચાલુ રહ્યા બાદ કામ ખોરંભે પડતા રોડ ઉપરાંત નાળા તેમજ પુલોની કામગીરી પણ અધુરી પડી છે.
ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામ નજીક આ ધોરીમાર્ગ પર માધુમતિ નદીનો વર્ષો જુનો પુલ બિસ્માર બની ગયો છે. આવતા જતા વાહનોને લઇને પુલનો ઉપરનો ભાગ હાલતો જણાય છે. આને લઇને કોઇવાર મોટી દુર્ઘટના થવાની દહેશત પ્રત્યે આંખ આડા કાન કરી શકાય તેમ નથી. આ જુના પુલ નજીક નવો પુલ બનાવવાની કામગીરી પણ અધુરી પડી છે. ઉપરાંત પુલ પર પડેલા મોટા ગાબડાઓમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોની હાલાકિમાં વધારો થયો છે. રાજપારડી ચાર રસ્તા નજીક માર્ગ એકદમ બિસ્માર બની ગયો છે. થોડા સમય પહેલા માર્ગના કામ માટે મોટી રકમ ફાળવવામાં આવી હોવાની જાહેરાત થઇ હતી, પરંતુ હજી કામગીરી શરૂ નથી થઇ. સ્ટેચ્યુના સ્થળને જોડતો આ મહત્વનો માર્ગ છે. આ માર્ગ પર અત્યારે તો વાહનો મોટા પ્રમાણમાં દોડે છે. પરંતુ હજી ભવિષ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઇને વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. ત્યારે આ માર્ગને સ્ટેચ્યુ ઓફ યુનિટીની શોભા અને મોભાને અનુરૂપ છ માર્ગીય બનાવવામાં આવે તે જરૂરી છે. ભવિષ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે જતા સહેલાણીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની શક્યતાઓ રહેલી છે. ભુતકાળમાં આ માર્ગ પર અસંખ્ય નાનામોટા અકસ્માતો સર્જાયા છે. આમાંના ઘણા અકસ્માતો જીવલેણ પણ સાબિત થયા હતા, ત્યારે અકસ્માતોનું સંભવિત પ્રમાણ નિવારવા માર્ગને છ માર્ગીય બનાવવાની તાકીદની આવશ્યકતા જણાય છે. આ માટે તાકીદે ઘટતા આયોજન કરાય તે જરૂરી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ