ભરૂચ જિલ્લાના ઝઘડીયા પોલીસે રોડ પર ચાલતી જતી એક માનસિક રીતે અસ્થિર જણાતી વૃધ્ધાનુ તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યુ હતુ. ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લામાં સામાન્ય માણસ સુરક્ષાનો અનુભવ કરી શકે તે માટે અસરકારક કામગીરી કરવા મળેલ સુચના અંતર્ગત ઝઘડીયા પીઆઇ પી.એચ.વસાવા પોલીસ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે ગોવાલી ગામ નજીક એક અજાણી વૃધ્ધ મહિલા ભુખી તરસી હાલતમાં રોડ પર ચાલતી દેખાઇ હતી. આ અંગે જરૂરી તપાસ કરતા પોલીસને જાણવા મળ્યુ હતુ કે માનસિક રીતે અસ્થિર જણાતી આ મહિલા છેલ્લા પંદર દિવસ પહેલા ઘેરથી નીકળી ગયેલ હતી. પોલીસે આ અંગે જરૂરી કાર્યવાહી કરીને આ વૃધ્ધ મહિલાને તેમના જમાઇ સાથે મિલન કરાવ્યુ હતુ. માનસિક રીતે અસ્થિર જણાતી આ વૃધ્ધા સાથે કોઇ અગમ્ય બનાવ ના બને તે માટે પોલીસે આ મહિલાનુ તેના પરિવાર સાથે મિલન કરાવીને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સાબિત કર્યુ હતુ. પંદર દિવસથી પરિવારથી વિખુટી પડેલ નેત્રંગ તાલુકાના વાંકવોલ ગામની બસીબેન ભટુભાઇ વસાવા નામની આ ૬૫ વર્ષીય વૃધ્ધાનુ પરિવાર સાથે મિલન થતાં પોલીસ સ્ટેશનમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ