ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી ફાર્મસન ફાર્માસ્યુટિકલ ગુજરાત પ્રાઈવેટ લિમિટેડ યુનીટ ૩ માં કંપનીના કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા ચાલીસથી વધુ કામદારો છેલ્લા બે દિવસથી કંપનીના મુખ્ય ગેટ પર તેમની પડતર માંગણીઓને લઇને હડતાળ પર ઉતર્યા છે.
કામદારોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી તેમને ઓવર ટાઇમ કામનો પગાર આપવામાં આવતો નથી. કંપની સંચાલકો દ્વારા કંપની સંકુલમાં કામદારો માટે પાણીની કોઇ સુવિધા આપવામાં આવતી નથી. કંપનીમાં કામદારો ઓછામાં ઓછું ૧૨ કલાક ઓવરટાઇમ સાથે કામ કરતા હોવા છતાં કંપની સંચાલકો કેન્ટીનની સુવિધા આપતા નથી. કામદારો કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા હોઇ કોન્ટ્રાકટર દ્વારા કામદારોનુ શોષણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કામદારોએ કર્યો હોવાનુ પણ જાણવા મળ્યુ છે. ફાર્મસન ફાર્માસ્યુટિકલ કંપનીના કામદારોની માંગણીઓ કંપની સંચાલકો દ્વારા સ્વીકારવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. તેમજ ઝઘડિયા મામલતદાર અને ભરૂચ કલેકટરને લેખિતમાં રજૂઆત કરવાના હોવાનુ પણ જણાવ્યું હતું. કંપનીના કામદારો હડતાળ પર હોઇ માનવ અધિકાર પંચના જવાબદાર કર્મચારી દ્વારા કંપની કામદારોની મુલાકાત કરી તેમની માગણી સાંભળી કંપની ના સંચાલકો સાથે બેઠક કરી હતી. કંપની દ્વારા કામદારો પાસે ચાર દિવસ નો સમય માંગ્યો હતો. જ્યાં સુધી કંપનીના કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કામદારોને તેમની પડતર માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ