ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે રહેતો લાલજીભાઈ છત્રસિંહભાઈ વસાવા નામનો યુવાન ગત તા.૨૧ મીના રોજ રક્ષાબંધનના તહેવાર માટે કપડાં લેવા માંડવાથી અંકલેશ્વર જવા માટે નીકળ્યો હતો. મુલદ ચોકડી પરથી પસાર થતા ધોરી માર્ગ પર માંડવા ગામના પાટિયા પાસે રોડ ક્રોસ કરતો હતો તે દરમિયાન પોલીસની મીની બસના ચાલકે રોડ ક્રોસ કરતાં લાલજીભાઈ વસાવાને ટક્કર મારી હતી. મીની બસની ટક્કર વાગતા લાલજીભાઈ રોડ ઉપર પડી ગયો હતો અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તે બેભાન થયો હતો, તે દરમિયાન લાલજીભાઈની ફોઇનો છોકરો સુનિલભાઈ ધનસુખભાઈ વસાવા ત્યાં આવી જતા તેમને એમ્બ્યુલન્સ મારફતે અન્ય સંબંધીઓ સાથે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે સારવાર માટે લઇ ગયા હતા.
અકસ્માતના બીજા દિવસે લાલજીભાઈ ભાનમાં આવી જતા તેઓ રજા લઈને ઘરે આવ્યા હતા. ત્યારબાદ તા.૨૩ મીના રોજ લાલજીભાઈને માથામાં દુખાવો ઉપડતા ફરીથી સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે લઈ જવાયા હતા અને ત્યારબાદ વધુ સારવારની જરરૂર જણાતા એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે લઇ જવાયા હતા. ગતરોજ તા.૧ લીના રોજ તેમનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. અકસ્માતની ઘટના બાબતે લાલજીભાઈ છત્રસિંહભાઈ વસાવાના ફોઈના દિકરા સુનિલભાઈ ધનસુખભાઈ વસાવા રહે. માંડવાનાએ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ