ગુજરાત સહિત સમગ્ર રાષ્ટ્રમાં જન્માષ્ટમીના પર્વની ઉત્સાહમય વાતાવરણ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં પણ કૃષ્ણ જન્મોત્સવના પર્વ એવા જન્માષ્ટમીના તહેવારને શ્રદ્ધા અને ઉમંગથી મનાવાયો. તાલુકાના વિવિધ ગામોએ જન્માષ્ટમી પર્વની પરંપરાગત ભવ્ય ઉજવણી કરવામાં આવી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
કૃષ્ણ જન્મોત્સવના આ પર્વ નિમિત્તે ભાવિકોએ ઉપવાસ કરીને શ્રદ્ધાની ભાવનાથી પર્વ મનાવ્યુ. તાલુકાના ઝઘડીયા રાજપારડી ઉમલ્લા જેવા નગરો ઉપરાંત રાણીપુરા સારસા ભાલોદ ગોવાલી અવિધા પાણેથા વિ.પંથકના ગામોએ કૃષ્ણ જન્મોત્સવના પર્વ જન્માષ્ટમીને પરંપરાગત શ્રધ્ધામય વાતાવરણ વચ્ચે મનાવાયુ હતુ. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકીના નારા વચ્ચે કૃષ્ણ જન્મોત્સવને મનાવાયો. ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામે દાયકાઓથી જન્માષ્ટમી પર્વની અનોખી રીતે ઉજવણી થાય છે.
જન્માષ્ટમી નિમિત્તે ફુલવાડી ગામે સતત બે દિવસ તહેવાર મનાવાય છે. આ ઉજવણીમાં આખુ ગામ ભાગ લે છે. ગામની મધ્યમાં મટકી ફોડવાનો કાર્યક્રમ પણ યોજાય છે. ભજન ઉપરાંત ગરબા થકી શ્રધ્ધાનો માહોલ જોવા મળે છે. વધુમાં જાણવા મળ્યા મુજબ ફુલવાડી ગામે પાછલા કેટલાક દાયકાઓથી જન્માષ્ટમીની ઉજવણીની આ પરંપરા જળવાઇ રહી છે. તાલુકાના સારસા ગામે રામજી મંદિર યુવક મંડળ દ્વારા રામજી મંદિર ખાતે મટકી ફોડવાનો કાર્યક્રમ યોજાયો હતો. ઉપરાંત વિવિધ ગામોએ પરંપરાગત મટકી ફોડવાના કાર્યક્રમ દ્વારા જન્માષ્ટમી પર્વ મનાવાયુ હતુ.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ