ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે આજે આવી પહોંચેલ દોડવીર મિલિન્દ સોમણનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. હિન્દી ફિલ્મોનો જાણીતો ચહેરો ૫૫ વર્ષીય મિલિન્દ સોમણ પાછલા કેટલાક સમયથી તેમની ફીટનેસને લઇને મોટી પ્રસિદ્ધિ પામ્યા છે. તેઓ દર વર્ષે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દોડ યોજીને રાષ્ટ્રની જનતાને શાંતી, એકતા અને સ્વાસ્થ્યનો સંદેશ આપે છે. મિલિન્દ સોમણે ૧૫ મી ઓગસ્ટના રોજ મુંબઇના શિવાજી પાર્કથી દોડનો પ્રારંભ કર્યો હતો. તેઓ ૨૨ મી ઓગસ્ટની સાંજે કેવડીયા ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે પહોંચશે.
આજે ઝઘડીયા ખાતે આવી પહોંચેલ દોડવીર મિલિન્દ સોમણે જણાવ્યુ કે તેઓ દર વર્ષે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દોડ યોજે છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ કહે છે કે થોડોક સમય પોતાના મન અને તનની શાંતિ માટે ફાળવો. શાંતિ, યુનિટી અને સ્વાસ્થ્યનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો તેમનો આશય હોવાનું જણાવ્યુ હતુ અને તેઓ દર વર્ષે સ્વાતંત્ર્ય દિવસે દોડીને પોતાનો આ શુભ સંદેશ લોકો સુધી પહોંચાડે છે. આજે ઝઘડીયા ખાતે આવી પહોંચેલ દોડવીર મિલિન્દ સોમણ ત્યારબાદ રાજપારડી પહોંચશે. તેમના કહેવા મુજબ યુનિટી રન એટલે એકસાથે આવવું. ૧૫ મી ઓગસ્ટના રોજ મુંબઇથી નીકળેલ આ દોડવીર ૪૫૦ કિ.મી.નું અંતર કાપીને ૨૨ મી ઓગસ્ટના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચીને પોતાની દોડયાત્રાનું સમાપન કરશે. તેઓ તેમની આ દોડયાત્રા દરમિયાન રોજના સરેરાશ ૫૬ કિ.મી.જેટલુ દોડે છે. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કંઇક સારુ કરવાનો વિચાર આવતા ત્યારબાદ તેઓ દર વર્ષે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શાંતિ, એકતા અને સ્વાસ્થ્યના સંદેશ સાથે દોડયાત્રા યોજે છે. તેમની આ યાત્રા દરમિયાન રસ્તામાં આવતા ગામોની જનતાને મળીને પોતાનો એકતા, શાંતિ અને સ્વાસ્થ્યનો શુભ સંદેશ વહેતો કરે છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ