ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીમાં આવેલા કેટલાક ઔદ્યોગિક એકમોના સંચાલકો દ્વારા અવારનવાર ઘન કચરો જાહેરમાં ઠાલવવો, વરસાદી કાંસમાં પ્રદૂષિત પાણી વહેવડાવવુ જેવી પ્રવૃત્તિઓ થતી હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.
મળતી વિગતો મુજબ ગતરોજ મોડી રાત્રિએ પણ સેલોદ ફુલવાડી વિસ્તારમાં એટલી હદે વાયુ પ્રદુષણ ફેલાયેલુ જણાતુ હતું કે રાત્રી દરમિયાન જીઆઇડીસીના રોડ પરથી વાહન હંકારવું પણ મુશ્કેલ બની રહ્યું હતું,એવી ચર્ચાઓ સ્થાનિક જનતામાં ચર્ચાતી જોવા મળી હતી.
આટલી મોટી માત્રામાં વાયુ પ્રદૂષણ જાહેરમાં છોડવાથી જીઆઇડીસીના આજુબાજુના ગામડાઓમાં રહેતા ગ્રામજનોના સ્વાસ્થ્ય પર તેની અસર પડી શકે. લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા અટકાવવા જવાબદાર તંત્રએ તાકીદે આગળ આવવુ જોઇએ એવી લાગણી સ્થાનિકોમાં દેખાઇ રહી છે. ત્યારે આ બાબતે ઝઘડિયા જીઆઇડીસીના જવાબદાર અધિકારીઓ તથા જીપીસીબીના અધિકારીઓ કેમ બેદરકારી બતાવી રહ્યા છે એ બાબતે પ્રશ્નાર્થ સર્જાયો છે. પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગોને કેમ છૂટો દોર મળી રહ્યો છે? એ પ્રશ્ન પણ તાકીદે જવાબ માંગે છે. વધુમાં જાણવા મળ્યા મુજબ ગતરોજ જીઆઇડીસી વિસ્તારમાં રાત્રિ દરમિયાન કલાકો સુધી ફેલાયેલા વાયુ પ્રદુષણ બાબતે હજી સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી કે તપાસ કરવામાં આવી નથી. વરસાદી વાતાવરણની ઓથમાં ફેલાવાતુ વાયુ પ્રદુષણ એક નિંદનીય ધટના છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ