ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા રોડ પર આવેલ એક ડામર મિક્સિંગ પ્લાન્ટ દ્વારા હવા તથા ધ્વનિનું પ્રદુષણ થતું હોય, એક સ્થાનિક રહીશે તે બાબતે જીપીસીબી અંકલેશ્વરને લેખિતમાં રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યુ છે.
ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામના આર.એન.પટેલ નામના એક નાગરીકે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના રહેણાંકથી આશરે ૧૦૦૦ મીટરના અંતરે ડામર અને કપચીનો મિશ્રણ કરવાનો પ્લાન્ટ આવેલ છે, જેના દ્વારા બેફામ તીવ્ર દુર્ગંધવાળી હવા અને અવાજનું પ્રદૂષણ કરવામાં આવે છે, એમ જણાવીને એ બાબતે તેમણે આ પ્લાન્ટના સંચાલકને રૂબરૂ મળી રજૂઆત કરી હતી, તેમ છતાં આ રહીશની વાતને ધ્યાનમાં લીધી ન હતી. પ્લાન્ટ દ્વારા પ્રદૂષણ ફેલાવવાનું ચાલુ રખાતા તેની સામે કાયદેસર કાર્યવાહી કરવા જીપીસીબી અધિકારી અંકલેશ્વરને લેખિતમાં રજૂઆત કરી છે અને તાત્કાલિક અસરથી આ પ્રદૂષણ અટકાવવા પ્લાન્ટ બંધ કરવા યોગ્ય કાર્યવાહી કરવા જણાવાયુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ