ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામા પાછલા લાંબા સમયથી અવારનવાર દિપડાની હાજરી જણાતી હોય છે. ખાસ કરીને નર્મદા કાંઠા વિસ્તારમાં દિપડાનો વસવાટ વધી રહ્યો હોવાની વાતો જાણવા મળી છે. અવારનવાર દિપડો જાહેરમાં દેખાવાની ધટના તથા પશુઓ પર હુમલા કરવાના બનાવો પણ બને છે.
મળતી વિગતો મુજબ ઝઘડિયા ગામે ગઇકાલે સવારના નવેક વાગ્યાના સમય દરમિયાન ગામમાં ઘુસી દીપડાએ ગાયનું મારણ કર્યુ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઇને ગ્રામજનોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. આ અંગે જાણવા મળ્યા મુજબ ઝઘડિયા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ એક ખેતરમાં એક ગાય ખૂંટે બાંધેલી હતી ત્યાં આવીને દીપડાએ ગાય પર હુમલો કરીને તેનું મારણ કર્યુ હતુ. આ ઘટનાને લઇને પશુપાલકો સહિત ગ્રામજનોમાં ભય ફેલાવા પામ્યો છે. મફતભાઇ પટેલ નામના ખેડૂતના ખેતરે દિપડા દ્વારા ગાયનું મારણ કરવાની આ ઘટના બનવા પામી છે. આ દિપડો શિકારની શોધમાં ગામ સુધી ધસી આવ્યો હતો અને ખેતરમાં કામ કરતા મજુરો ગાયથી થોડે દુર હોઇ તેનો ગેરલાભ ઉઠાવી દીપડાએ ગાયનું મારણ કર્યું હતું. આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ