ભરૂચ જિલ્લાના ઝઘડિયા મેગા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની આસપાસ નવથી વધુ ગામો આવેલા છે. જેમાં ફૂલવાડી, કપલસાડી, દઢેડા, ઉટીયા, સરદારપુરા, રણડેરી, તલોદરા, સેલોદ, વખતપુરા જેવા ગામોનો સમાવેશ થાય છે. આ ગામોમાં જરૂરવાળા દર્દીને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડી શકાય તે માટે એમ્બ્યુલન્સની જરૂરિયાત ઊભી થઈ હતી. ફુલવાડી ગામના આગેવાન નરેન્દ્રભાઈ પટેલ તથા તલોદરા ગામના વિઠ્ઠલભાઈ વસાવા તથા તેમની ટીમો દ્વારા આ બાબતે ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ બિરલા સેન્ચુરી કંપનીમાં એમ્બ્યુલન્સની જરૂરિયાતની વાત કરી હતી. બિરલા સેન્ચુરી કંપની દ્વારા ૭.૫ લાખના ખર્ચે નવ જેટલા ગામોને તાત્કાલિક આરોગ્ય સેવા મળી રહે તેવા હેતુસર એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ જીઆઇડીસીની મધ્યમાં આવેલા ફૂલવાડી ગ્રામ પંચાયત કચેરી ખાતે રહેશે અને જીઆઇડીસીની આજુબાજુના ગ્રામજનો તાત્કાલિક આરોગ્ય સેવા અર્થે આ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી શકશે. એમ્બ્યુલન્સનો નિભાવ ખર્ચ કંપની દ્વારા કરવામાં આવશે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ