ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર નજીકના પહાડ પર આઠસો વર્ષ જુની સુફીસંત હઝરત બાવાગોર (ગોરીશા)ની દરગાહ આવેલી છે. આ જગ્યાએ વર્ષોથી દરગાહ ટ્રસ્ટ દરગાહ સ્થળનો વહિવટ કરે છે. ગત તા.૧૫ મી ઓક્ટોબર ૨૦૧૯ ના રોજ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા કોઇ કારણોસર આ જગ્યાએ વહિવટ કરતા જુના ટ્રસ્ટીઓને હટાવીને તેના સ્થાને મુખ્ય કારોબારી અધિકારીની વહિવટદાર તરીકે નિમણુંક કરવામાં આવી હતી. તત્કાલિન ટ્રસ્ટીઓ ઇસ્માઇલભાઇ, ઝાકિરભાઇ મલેક અને જાનુમિયા સીદી દ્વારા વકફ બોર્ડના આ નિર્ણયને વકફ બોર્ડની ટ્રિબ્યુનલમાં પડકારવામાં આવ્યો હતો. ત્યારબાદ તાજેતરમાં ટ્રિબ્યુનલે વકફ બોર્ડ દ્વારા નિમાયેલ વહિવટદારની નિમણુંકને રદ કરીને દરગાહ સ્થળનો વહિવટ જુના ટ્રસ્ટીઓને સોંપવા હુકમ કર્યો હતો. નામદાર ટ્રિબ્યુનલ દ્વારા વધુમાં જણાવાયુ હતુ કે વકફ બોર્ડના ચેરમેન દ્વારા મુખ્ય કારોબારી અધિકારીની સત્તાને ઉપરવટ જઇને આવો હુકમ કરેલ હોઇ તે બાબતે રાજ્ય સરકારનું ધ્યાન દોરવામાં આવશે. ઉપરાંત વધુમાં જણાવાયા મુજબ સદર ટ્રસ્ટમાંથી વકફ બોર્ડના કારોબારી અધિકારીએ જો કોઇ રકમ ઉપાડી હોયતો ૧૫ દિવસમાં જમા કરાવીને ટ્રસ્ટના હિસાબો તેમજ અન્ય રેકોર્ડ પણ જમા કરાવી દેવા આદેશ આપવામાં આવ્યો હતો.વકફ બોર્ડ ટ્રિબ્યુનલ દ્વારા આ વહિવટી અધિકારીની નિમણુંકને રદ કરતા હુકમ મુજબ ગત બુધવારના રોજથી દરગાહ ટ્રસ્ટના જુના ટ્રસ્ટીઓએ વહિવટ સંભાળી લીધો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ