ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ રાજપારડી શાખા દ્વારા રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી કોરોના રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો. અત્રે નુરાની શાળા ખાતે યોજાયેલ આ વેક્સિનેશનના કાર્યક્રમમાં સંસ્થાની રાજપારડી શાખાના પ્રમુખ સોયેબ પટેલ, ઉપપ્રમુખ આસીક ખત્રી સહિત અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના હોદ્દેદારો તેમજ આરોગ્ય કર્મચારીઓએ રસીકરણ લેવા આવનાર લાભાર્થીઓને રસીકરણના ફાયદા જણાવ્યા હતા. રાજપારડી પીએચસીના છોટુભાઇ વસાવા, અશોકભાઈ જાની, હિનાબેન તેમજ મુકેશભાઇએ વેક્સિનેશન કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી.
ઉલ્લેખનીય છે કે વિશ્વવ્યાપી કોરોના મહામારીના બે તબક્કા વીતી ગયા બાદ કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના અનુભવાઇ રહી છે ત્યારે કોરોના સંક્રમણને અંકુશમાં રાખવા માસ્ક અને સામાજિક અંતર જાળવવાની સાથેસાથે રસીકરણ પણ જરુરી છે.આજે રાજપારડી મુકામે આયોજિત રસીકરણના કાર્યક્રમનો અંદાજે બસો જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ