ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મોરણ ગામે રહેતી મીરાબેન ગણેશભાઇ વસાવા છુટક મજુરી કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. મીરાબેનના ઘરે તેના ઘરની સામે રહેતી ચંપાબેન વસાવા બેસવા આવી હતી અને તેઓ વાતચીત કરતા હતા, તે વખતે ચંપાબેનનો છોકરો નરેશ વસાવાએ મીરાબેનના ઘરે આવીને તેની માતા ચંપાબેનને કહ્યુ કે ચાલ મને જમવાનું બનાવી આપ, એમ કહેતા ચંપાબેન મીરાબેનના ઘરેથી તેમના ઘરે જતા રહ્યા હતા. ત્યારબાદ નરેશે મીરાબેનને કહ્યુ હતુ કે તું મારી માતાને કેમ બેસાડે છે ? આ સાંભળીને મીરાબેને તેને જણાવ્યુ હતુ કે તારે મારા ઘરે આવવાનું નહીં, અને તારી મમ્મી ચંપાબેનને તું કેમ હેરાન કરે છે ? તેમ કહેતા નરેશ એકદમ ઉશ્કેરાઇ જઇને મીરાબેનને મા બેન સમાણી ગાળો દેવા લાગ્યો હતો અને ઉશ્કેરાટમાં ઘરમાંથી એક લાકડી લાવીને મીરાબેનને માથાના ભાગે સપાટો મારી દેતાં તે લોહીલુહાણ થયા હતા. મીરાબેને બુમાબુમ કરતા નરેશ ત્યાંથી ભાગી ગયો હતો, ત્યારબાદ મીરાબેનના પુત્ર પિયુષે આવીને મીરાબેનને સારવાર માટે ભરૂચ સીવીલ હોસ્પિટલ ખાતે લઇ ગયો હતો. આ બનાવ અંગે મીરાબેન ગણેશભાઈ વસાવાએ નરેશ ગુમાનભાઈ વસાવા રહે. મોરણ વિરુધ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ