ચાલુ સાલે વર્તમાન ચોમાસા દરમિયાન રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો સહિત આમ જનતામાં ચિંતા ફેલાવા પામી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની ખેંચ અનુભવાઇ રહી છે. ચાલુ ચોમાસા દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદના ઝાપટાઓને બાદ કરતા જરૂર મુજબના વરસાદની કમી અનુભવાઇ રહી છે.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં પણ વરસાદની ખેંચથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ચોમાસાની શરુઆત થયા બાદ ખેડૂતોએ ખેતરોમાં ચોમાસુ પાકની વાવણી કરી હતી. ખેતીના પાકને પોષણક્ષમ વૃદ્ધિ માટે યોગ્ય માત્રામાં પાણીની જરૂર પડતી હોય છે. જોકે અમુકવાર હળવા વરસાદી ઝાપટાઓથી ખેતીના પાકને થોડી ઘણી રાહત તો થાય છે, પરંતુ વરસાદની ખેંચના કારણે ખેતીમાં જરૂરી પાણીનો અભાવ વર્તાઇ રહ્યો છે.વરસાદના અભાવે વાતાવરણમાં ગરમી સાથે ઉકળાટ અનુભવાઇ રહ્યો છે. અસહ્ય ઉકળાટ વચ્ચે શેકાતી જનતા હવે વરસાદ મન ભરીને વરસે એવી આશા રાખીને બેઠી છે. કોરોના સંક્રમણની અસર અને દહેશતના કારણે બજારોમાં જોઇએ તેવો ઘરાકીનો માહોલ જણાતો નથી ત્યારે વરસાદની ખેંચથી બજારોમાં મંદીનુ પ્રમાણ વધી શકે તેવી દહેશત વેપારી વર્ગ અનુભવી રહ્યો છે. ઝઘડીયા તાલુકામાં ઝઘડીયા રાજપારડી અને ઉમલ્લા એ ત્રણ મહત્વના વેપારી મથકો છે. તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાંથી જનતા આ મથકોએ વિવિધ ચીજ વસ્તુઓની ખરીદી માટે આવતી હોય છે. ચોમાસાના આગામી દિવસો દરમિયાન સારો વરસાદ થાય તો બજારોમા ઘરાકી ખુલે એવી લાગણી તાલુકાના વેપારી વર્ગમાં જણાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ