ભરૂચ જિલ્લાના ઝઘડીયા નજીક ગઇકાલે બપોરના બે વાગ્યા આસપાસ એક કાર ચાલકે એક મોટરસાયકલને અડફેટમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં મોટરસાયકલ ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
આ અંગે ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ગતરોજ ઝઘડીયા તાલુકાના ઉચેડિયા ગામનો વિપુલભાઇ ઉક્કડભાઇ વસાવા નામનો ૨૧ વર્ષીય યુવક મોટરસાયકલ લઇને ઝઘડીયા નજીકની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ પાસેથી પસાર થતો હતો તે વખતે હાઇસ્કુલની સામેના કટ ઉપરથી ઝઘડીયા તરફના રોડ તરફ વળતા સામેથી આવતા એક સ્વીફ્ટ ડિઝાયર ફોર વ્હીલ ગાડીના ચાલકે તેનું વાહન આ યુવકની મોટરસાયકલ સાથે અથાડીને અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો,તેમજ મોટરસાયકલને પણ મોટુ નુક્શાન થયુ હતુ. મોટરસાયકલ ચાલક યુવાન વિપુલને હાથની આંગળીઓ પર ફેક્ચર થયુ હતુ તેમજ કપાળના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. ઇજાગ્રસ્ત યુવકને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. યુવકની ફરિયાદ મુજબ ઝઘડીયા પોલીસે આ અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકામાંથી પસાર થતાં રાજ્ય ધોરીમાર્ગ પર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. ભુતકાળમાં ઘણા અકસ્માતો જીવલેણ પણ સાબિત થયા છે. આ ધોરીમાર્ગની કામગીરી લાંબા સમયથી વિલંબમાં પડી છે. માર્ગ દિવસે દિવસે વધારે વિકૃત બની રહ્યો છે. આ માર્ગ પર થતા અકસ્માતો પૈકી ઘણા અકસ્માતો માટે માર્ગની બિસ્મારતા જવાબદાર હોવાની વ્યાપક લોકચર્ચાઓ ઉઠવા પામી છે,ત્યારે આ બાબતે તાકીદે માર્ગની બંધ પડેલ કામગીરી શરૂ કરવામાં આવે તેવી લાગણી અને માંગણી જનતામાં દેખાઇ રહી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ