ઝધડિયા તાલુકાના અસનાવી અને ઝરીયા ગામેથી ઝધડિયા પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપી લીધો છે. અસનાવી ગામથી ૨૫ નંગ તથા ઝરીયા ગામથી ૨૧ નંગ નાની મોટી બોટલો મળી કુલ રૂપિયા ૬૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઝધડિયા તાલુકામાં વિદેશી દારૂનું વેચાણ થઇ રહ્યુ હોવાની વ્યાપક લોકચર્ચાઓ ઉઠી છે. સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતાના પગલે બુટલેગરોને મોકળું મેદાન મળી રહેતું હોવાની વાતો પણ જનતામાં ચર્ચાઇ રહી છે. ગતરોજ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે વાંદરવેલી ગામેથી વિદેશી દારૂ ઝડપી લીધા બાદ ઝધડિયા પોલીસ પણ એકશનમાં આવી છે.ત્યારે ઝધડિયા પોલીસે બાતમીના આધારે અસનાવી અને ઝરીયા ગામેથી વિદેશી દારૂ પકડી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે અસનાવી ગામના શશીકાંત વસાવા વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું ગેરકાયદે વેચાણ કરે છે. પોલીસે બાતમીના આધારે અસનાવી ગામે શશીકાંતના ઘરે છાપો માર્યો હતો. તે દરમિયાન શશીકાંતના ઘરના કબાટમાંથી અલગ અલગ બ્રાન્ડની નાની મોટી ૨૫ બોટલો જેની કિંમત રૂ.૧૯૦૦ થાય છે તે મળી આવી હતી. ઝધડિયા પોલીસે શશીકાંત વસાવાની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત પોલીસ દ્વારા થયેલ બીજી છાપામારીમાં બાતમીના આધારે ઝરીયા ગામે રહેતો અર્જુન ગણજીભાઈ વસાવાની કોઢમાં રાખેલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે બાતમીના આધારે છાપો મારતા ઘરે કોઈ મળ્યુ નહિ પરંતુ ઘરની બાજુમાં આવેલ કોઢમાં ઘાસના પૂળા નીચે મીણીયા કોથળામાં રાખેલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે અલગ અલગ બ્રાન્ડની નાની મોટી ૨૧ નંગ બોટલ જેની કિંમત ૪૨૦૦ જે જપ્ત કરી અર્જુન વસાવા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના વિદેશી દારૂ પરના સપાટા બાદ ઝધડિયા પોલીસે બે સ્થળોએ છાપામારી કરી વિદેશી દારૂ ઝડપતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી