ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના શાસનના હાલ ૫ વર્ષ પૂર્ણ થયા છે. સરકાર દ્વારા લોકોના વિવિધ કામોનો સ્થળ પર જ નિકાલ થાય તે માટે આપણે ત્યાં કેટલાક સમયથી સેવાસેતુ કાર્યક્રમોના આયોજન થાય છે. તે અંતર્ગત આજે ૨ જી ઓગસ્ટના સંવેદના દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં ૫૦૦ જેટલા સ્થળોએ સેવાસેતુ કાર્યક્રમો યોજવાનુ આયોજન કરવામાં આવ્યુ છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે આજે ગ્રામ પંચાયત હોલ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં સ્થાનિક રહીશો માટે તેમના વિવિધ કામોના સ્થળ પર જ નિકાલ માટેનું આયોજન કરાતા મોટી સંખ્યામાં લાભાર્થીઓએ કાર્યક્રમનો લાભ લીધો હતો. સેવાસેતુ જેવા મહત્વના અને લોકોપયોગી કાર્યક્રમોનો મૂળ ઉદ્દેશ સરકાર દ્વારા પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવાનો તેમજ સરકાર દ્વારા વખતો વખત જાહેર કરાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનતા સુધી પહોંચાડવાનો છે. સેવાસેતુ કાર્યક્રમમાં મોટાભાગે રેવન્યુ, પંચાયત, આરોગ્ય, બેંકિંગ સેવા, વીજળી સંબંધિત કામગીરી, વનવિભાગ સંબંધી કામો ઉપરાંત બીજા ઘણા લોકોપયોગી તેમજ લોકોના જરુરી કામોનો સ્થળ પર નિકાલ કરવાનો મુખ્ય હેતુ રહ્યો છે.
આજે રાજપારડી મુકામે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ઝઘડીયાના પ્રાંત અધિકારી તેમજ તાલુકાના વિવિધ અધિકારીઓ, વનવિભાગ, આરોગ્ય વિભાગ ઉપરાંત અન્ય સેવાઓને લગતા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન, ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ રીનાબેન વસાવા, જિલ્લા ભાજપા સંગઠનના વિવિધ મોરચાઓના પદાધિકારીઓ તેમજ કાર્યકરો, ઝઘડિયા તાલુકા ભાજપના મહામંત્રીઓ ભૂપેન્દ્રસિંહ રાઠોડ તેમજ કેતવભાઇ ઉપરાંત યુવામોર્ચાના પ્રમુખ ધ્રુપલભાઈ પટેલ અને વિવિધ હોદ્દેદારો તેમજ કાર્યકરો, રાજપારડીના કાર્યકારી સરપંચ પી.સી.પટેલ, ગુજરાત યુવક બોર્ડના તાલુકા સંયોજકો હિરલ પટેલ તેમજ દિનેશ વસાવા સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ તેમજ ભાજપા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ કામોને લગતા ટેબલો પર જેતે વિભાગના કામો માટે આવતા લાભાર્થીઓને તેમના કામો અંગે જરુરી સલાહ સુચનો આપીને તેમના કામોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત લાભાર્થીઓએ સેવાસેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી