ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામે ત્રણ ઇસમોએ ગામના જ એક યુવાનને માર મારી ધમકી આપી હોવા બાબતે ઝઘડીયા પોલીસમાં આ બાબતે ફરિયાદ લખાવા પામી હતી, જ્યારે સામાપક્ષે પણ ત્રણ ઇસમો સામે ઝપાઝપી કરી ધમકી આપી હોવાની ફરિયાદ ઝઘડીયા પોલીસમાં લખાવી હતી.
મળતી વિગતો મુજબ ગોવાલી ગામે રહેતો મેહુલભાઇ દલસુખભાઇ વસાવા નામનો યુવાન ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મેહુલે ગત તા.૩૧ મી ના રોજ ગામમાંજ રહેતા કિરણભાઇ વિનોદભાઇ વસાવાને રાજેશ્વરી કંપનીમાંથી તુ શુ લઇ જાય છે? હુ પોલીસને જાણ કરીશ, એમ કહ્યુ હતુ. આ બાબતની રીષ રાખીને કિરણભાઇ વિનોદભાઇ વસાવા, વિનોદભાઇ બાજીભાઇ વસાવા અને કિરણભાઇ બાલુભાઇ વસાવા ત્રણેય રહે.ગામ ગોવાલી, ચંચળબા ફળિયું, તા.ઝઘડીયા, જિ.ભરુચનાએ ફળીયામાં જ રહેતા મેહુલના ઘર આગળ આવીને તેને મા બેન સમાણી ગાળો બોલવા લાગ્યા હતા. કિરણ વિનોદ વસાવાએ મેહુલને નાકના ભાગે કુહાડીનો દસ્તો મારતા ચામડી ફાટીને લોહી નિકળ્યુ હતુ. જ્યારે વિનોદ બાજીભાઇ વસાવાએ તેના હાથમાંના લોખંડના સળિયાનો સપાટો મેહુલના ડાબા હાથે કોણીના ભાગે માર્યો હતો. ઉપરાંત તેમની સાથેના કિરણ બાલુ વસાવાએ મા બેન સમાણી ગાળો બોલીને બે ત્રણ તમાચા મારી દીધા હતા તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં હુમલાનો ભોગ બનેલ મેહુલ દલસુખ વસાવા રહે.ગામ ગોવાલી,ચંચળબા ફળીયું,તા.ઝઘડીયા,જિ.ભરૂચનાએ કિરણ વિનોદ વસાવા, વિનોદ બાજીભાઇ વસાવા તેમજ કિરણ બાલુ વસાવા ત્રણેય રહે.ગામ ગોવાલી, ચંચળબા ફળીયું,તા.ઝઘડીયા,જિ.ભરુચના વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
જ્યારે બીજી ફરિયાદમાંથી મળતી વિગતો મુજબ ગત તા.૩૧ મીના રોજ ગોવાલીનો કિરણ વિનોદ વસાવા તેની મોટરસાયકલમાં પેટ્રોલ પુરુ થઇ જતા રાજેશ્વરી કંપની પાસે ઉભો હતો ત્યારે ત્યારે ગામમાં જ રહેતા મેહુલ દલસુખ વસાવાએ અહિં કેમ ઉભો છે એમ પુછતા કિરણે મેહુલને ખોટી હોંશિયારી ના કરવાનું જણાવ્યુ હતુ, જે બાબતની રીષ રાખીને મેહુલ દલસુખ વસાવા, દલસુખ વિરસિંગ વસાવા તેમજ રાહુલ દલસુખ વસાવા ત્રણેય રહે.ગામ ગોવાલી, ચંચળબા ફળિયું,તા.ઝઘડીયા,જિ.ભરૂચનાએ કિરણને ગાળો બોલીને લોખંડનો સળિયો કાન પાસે મારતા તે લોહિલુહાણ થયો હતો. તેની સાથે આ ઇસમોએ ઝપાઝપી કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા કિરણ વિનોદ વસાવા રહે.ગામ ગોવાલીનાએ મેહુલ દલસુખ વસાવા, દલસુખ વિરસિંગ વસાવા તેમજ રાહુલ દલસુખ વસાવા ત્રણેય રહે.ગામ ગોવાલી, ચંચળબા ફળીયું,તા.ઝઘડીયા,જિ.ભરૂચના વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ