ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે તા.૨ જી ઓગસ્ટને સોમવારના રોજ સંવેદના દિવસ અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજપારડી ગ્રામ પંચાયત હોલ ખાતે યોજાનાર આ સેવાસેતુ કાર્યક્રમમાં ૫૭ જેટલી સેવાઓને લગતા કામોનો એ જ દિવસે નિકાલ કરવામાં આવશે. રેશનકાર્ડ, આધારકાર્ડ, આરોગ્યલક્ષી કામો તેમજ પંચાયત અને રેવન્યુને લગતા વિવિધ કામો ઉપરાંત લોકોને વિવિધ દાખલાઓ આપવા જેવા વિવિધ કામોમાં કુલ ૫૭ જેટલી સેવાઓને લગતા કામોનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવશે. રાજપારડી મુકામે આગામી સોમવારે યોજાનાર સેવા સેતુ અંતર્ગત રાજપારડી, સારસા, વણાકપોર, અવિધા, પોરા, ઉમધરા, પિપદરા, પ્રાંકડ, જરસાડ અને સંજાલી ગ્રામ પંચાયતોના તલાટીઓ તેમજ સરપંચોની એક બેઠક ઝઘડીયા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને રાજપારડી ગ્રામ પંચાયત કચેરી ખાતે રાખવામાં આવી હતી.
આ અંગે વધુમાં જણાવાયા મુજબ સરકાર દ્વારા લોકોના હિત અને સુખાકારી માટે તથા લોકોને સરકારી યોજનાઓનો લાભ ઘેર બેઠા આપવાના હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. વધુમાં મળતી વિગતો અનુસાર સમગ્ર રાજ્યમાં ૫૦૦ જેટલા સેવા સેતુ કાર્યક્રમો યોજવામાં આવનાર છે.સેવા સેતુમાં વિવિધ વિભાગોને લગતા કામોની પતાવટ માટે જે તે વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ કાર્યક્રમમાં હાજર રહીને લોકોને મદદરૂપ બનશે.તા.૨ જી ઓગસ્ટના રોજ સંવેદના દિવસ અંતર્ગત યોજાનાર સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ